સ્માર્ટ મીટર પ્રોજેકટની શરુઆત, વડોદરા- ગોધરા અને વણાકબોરીમાં 3100 સ્માર્ટ મીટરો લગાવાયા
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના ૩૪ લાખ ગ્રાહકોના જોડાણો પર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો તા.૨૨ જાન્યુઆરીથી પ્રારંભ થયા બાદ અત્યાર સુધીમાં પાયલોટ પ્રોજેકટના ભાગરુપે વડોદરા તેમજ વડોદરાની બહાર ૩૧૦૦ મીટરો લગાવવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેરમાં ૨૨ જાન્યુઆરીએ વીજ કંપનીના મેેનેજિંગ ડિરેકટર તેજસ પરમારના સત્તાવાર રહેઠાણ પર પહેલુ મીટર લગાવવામાં આવ્યુ હતુ.એ બાદ અત્યાર સુધીમાં વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં સરકારી અધિકારીઓના ક્વાર્ટર તેમજ સરકિટ હાઉસના ક્વાર્ટસમાં ૩૦૮ સ્માર્ટ મીટર તથા અકોટા સબ ડિવિઝન હેઠળ આવતી વિદ્યુત નગર કોલોનીમાં ૩૨૨ મીટર તેમજ આસપાસની સોસાયટીઓમાં મળીને ૯૮૭ મીટર લગાવાયા છે.જ્યારે માંજલપુર સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં બીજા ૬૪ સ્માર્ટ મીટર ઘરોમાં લગાવાયા છે.સેન્ટ્રલ એક્સાઈઝ અને ઈનકમટેક્સ ઓફિસમાં બીજા ૧૦ મીટરો નાંખવામાં આવ્યા છે.ગોધરા ખાતે એસઆરપી કોલોનીમાં ૭૧૩ સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.તેની સાથે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં આવેલા સ્ટાફ ક્વાર્ટસમાં ૧૦૫૧ જેટલા સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
સૂત્રોનુ કહેવુ છે કે, પાયલોટ પ્રોજેકટના ભાગરુપે કુલ મળીને ૨૫૦૦૦ મીટરો લગાવવાના છે.પહેલા આ મીટરો લગાવવાની કામગીરી તા.૩૦ એપ્રિલ સુધીમાં પૂરી કરવાનુ લક્ષ્યાંક હતુ પણ આ સમયમર્યાદામાં પાયલોટ પ્રોજેકટ પૂરો થાય તેવી શક્યતા નથી.
સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી માટે ભારત સરકારની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એજન્સી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.આ કંપની મીટરો લગાવવાની કામગીરી કરી રહી છે.કંપનીને પાયલોટ પ્રોજેકટના ભાગરુપે ક્યાં ક્યાં મીટર લગાવવાના છે તેનુ લિસ્ટ વીજ કંપની દ્વારા પૂરુ પાડવામાં આવ્યુ છે.
અઢી લાખ જેટલા ઘરોનો સર્વે કરાયો
સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવાના પ્રોજેકટના ભાગરુપે વડોદરામાં અઢી લાખ જેટલા જોડાણોનો સર્વે કરવામાં આવ્યો છે.સર્વેના ભાગરુપે મીટર મુકવા માટેની પેટીઓની ચકાસણી કરાઈ છે, વીજ સેવાની ગુણવત્તા કેવી છે અને તેને સિગ્નલ મળે છે કે નહીં તેની પણ જાણકારી મેળવવામાં આવી છે. આ તમામ જાણકારી મીટર ઈન્સ્ટોલ કરી રહેલી એજન્સીએ એકત્રિત કરી છે.
રીચાર્જ કરાવવા માટે ગ્રાહકોને ૩૦૦ રુપિયાની ક્રેડિટ મળશે
સૂત્રોનુ કહેવુ છે કે, ખેતીવાડીના જોડાણોને બાદ કરતા અન્ય તમામ વીજ જોડાણો પર સ્માર્ટ મીટર લાગશે અને ગ્રાહકો માટે વીજ સેવા પ્રી પેઈડ થઈ જશે.ગ્રાહકો જેટલા પૈસા ચુકવશે તે પ્રમાણે તેમને વીજળી વાપરવા મળશે.પહેલા એવુ નક્કી થયુ હતુ કે, ગ્રાહક પોતાનુ બેલન્સ ખતમ થઈ જાય ત્યાં સુધીમાં રીચાર્જ ના કરાવે તો તેનુ વીજ જોડાણ કપાઈ જશે.જોકે કેન્દ્ર સરકારના નવા આદેશ બાદ વીજ ગ્રાહકને ૩૦૦ રુપિયા સુધીની ક્રેડિટ આપવામાં આવશે.વીજ ગ્રાહક બેલેન્સ પુરુ થઈ ગયા બાદ રીચાર્જ ના કરાવે તો તેને ૩૦૦ રુપિયા સુધીની વીજળી વાપરવા મળશે.સાથે સાથે રજાના દિવસે તેનુ જોડાણ નહીં કપાય.કામકાજના દિવસોમાં પણ આ કામગીરી માત્ર ઓફિસના સમયમાં એટલે કે સવારે ૯ થી ૬ વચ્ચે જ થશે.