વડોદરામાં હરણી પાણીની ટાંકી ખાતે સ્લુસ વાલ્વ લગાવવાની કામગીરી: બે દિવસ પાણીનો કકળાટ
વડોદરા,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા શહેરના હરણી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી નોર્થ હરણી ટાંકીની પાઇપલાઇન પર બે સ્લુસ વાલ્વ બેસાડવાની કામગીરી તારીખ 8 અને 9મી ના રોજ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. જેથી હરણી વિસ્તારના બે લાખ લોકોને સવાર અને સાંજનું પાણી મળશે નહીં જેથી પીવાના પાણીનો કકળાટ સર્જાશે તેમ જાણવા મળે છે.
વડોદરા કોર્પોરેશનની નોર્થ હરણી ટાંકી ખાતે ટાંકીની ડિલીવરી લાઈન ઉપર 400 એમ.એમ.ડાયામીટરના બે નંગ સ્લુસ વાલ્વ સમાંતરે બેસાડી એમ.એસ.પાઈપનું કલસ્ટર બનાવવાની કામગીરી તા:08/12/2023ના રોજ સવારના પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવનાર છે. જેથી નોર્થ હરણી ટાંકી ખાતેથી તા.08/12/2023ના રોજ રાજેશ્વર ગોલ્ડ તથા સિધ્ધાર્થ બંગલોઝ તરફના વિસ્તારનું સાંજના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં તથા તા.09/12/2023ના રોજ હરણી ગામ તથા ટાંકીની આસપાસના કમાન્ડ તરફના વિસ્તારનું સવારના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જેની આ વિસ્તારના નાગરીકોએ નોંધ લેવા તેમજ જરૂરીયાત મુજબનો પાણીનો સંગ્રહ કરી સહકાર આપવા વડોદરા કોર્પોરેશને વિનંતી કરી છે.