વડોદરાના 22 ગામોમાં ટ્રેક્ટરો ફાળવ્યા છતાં ડોરટુડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ અપાયાે
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં બહુચર્ચિત ટ્રેક્ટર પ્રકરણ ફરી ચમક્યું હતું.વડોદરા તાલુકાના ૧૦૨ ગામોમાં ટેન્ડરિંગ વગર અને ઉંચાભાવે ટ્રેક્ટર ફાળવી દીધા હોવા છતાં આ પૈકીના ૨૨ ગામોમાં ડોરટુડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ અપાતાં વિરોધ પક્ષે રોષ વ્યક્ત કર્યો હતો.
વડોદરા તાલુકાના ૧૦૨ ગામોમાં બે વર્ષ પહેલાં ટ્રેક્ટર ફાળવવામાં આવ્યા હતા.જે ટ્રેક્ટર ખરીદીમાં નીતિ નિયમોનો ઘોળી પી જવાયા હોવાના ગંભીર આક્ષેપો થતાં વડોદરાના તક્લાન ડીડીઓને સ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
આજે વડોદરા જિલ્લા પંચાયતની બજેટ મીટિંગમાં જિ.પં.ના વિરોધ પક્ષના નેતાએ જિલ્લા પંચાયત દ્વારા વડોદરા તાલુકાના ૮૧ ગામોમાં ડોરટુડોર કચરા કલેક્શન માટે હરિઓમ કન્સ્ટ્રક્શન એજન્સીને અપાયેલા રૃ.૩.૫૫ કરોડના નવા કોન્ટ્રાક્ટના મુદ્દે આક્ષેપ કર્યો હતો કે,બે વર્ષ પહેલાં ૧૦૨ ગામોને ફાળવેલા ટ્રેક્ટરોમાંથી ૨૨ ગામો એવા છે જે ડોરટુડોર કલેક્શનની નવી સ્કીમમાં આવી જાય છે.તો આવા ગામોમાં અગાઉ ફાળવેલા ટ્રેક્ટરોનો હવે શું ઉપયોગ કરાશે ? નાગરીકોના ટેક્સના લાખ્ખો રૃપિયાનું ખોટીરીતે આંધણ શા માટે ?
જિલ્લા વિકાસ અધિકારીએ ૧૦૨ ગામોના ટ્રેક્ટર પ્રકરણ મુદ્દે રાજ્ય સરકારની તપાસ ચાલી રહી હોવાથી આ વિષય પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો.
પરીક્ષાર્થીઓ ઘટયા છતાં ઉત્તરવહીનો ખર્ચ ૨૫ લાખથી વધીને ૬૮ લાખ થયો
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં બેફામ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના વડુ બેઠકના સદસ્યએ કર્યો હતો.
કોંગી સદસ્યએ કહ્યું હતું કે,જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં ઉત્તરવહી અને પ્રશ્નપત્રનો ખર્ચ જિલ્લા પંચાયત ભોગવે છે.વર્ષ-૨૦૨૧-૨૨માં ૯૩૧૧૪ પરીક્ષાર્થીઓ માટે રૃ.૨૫.૩૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે, વર્ષ-૨૦૨૨-૨૩માં ૯૨૫૮૪ પરીક્ષાર્થીઓ માટે રૃ.૬૮.૪૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.આમ બમણો ખર્ચ શા માટે કરવામાં આવ્યો ?
તેમના જવાબમાં ઉપપ્રમુખ અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને કહ્યું હતું કે,અગાઉ ૧૨૫૦ સ્કૂલોમાં ઉત્તરવહીઓનું વિતરણ પંચાયત દ્વારા કરવામાં આવતું હોવાથી છપામણીનો ખર્ચ ઓછો થતો હતો.પરંતુ આ વખતે તમામ સ્કૂલો સુધી વિતરણ સાથેનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાથી રકમ વધી છે.
વડોદરા જિલ્લા પંચાયતનું રૃ.22 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર
જિલ્લા પંચાયતની આજે મળેલી બજેટ મીટિંગમાં વર્ષ-૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.આ બજેટમાં રૃ.૩૪.૪૫ કરોડની ઉઘડતી સિલકમાં રૃ.૨૦ કરોડની આવક ઉમેરતાં કુલ રૃ.૫૪.૪૫ કરોડની આવક સામે કુલ રૃ.૩૧.૯૭ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.જેથી વર્ષાન્તે રૃ.૨૨.૯૭ કરોડની પુરાંત રહેશે.જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાએ કહ્યું હતું કે,જિલ્લાપંચાયતના દરેક બેઠક દીઠ રૃ. સાત લાખ લેખે રૃ.૩.૩૮ કરોડ,લોક હિતાર્થના કામ માટે રૃ.૧૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કારોબારી ચેરમેને કહ્યું હતું કે,બજેટમાં કુપોષિત બાળકો માટે રૃ.૬૦લાખ અને પ્રાથમિક સ્કૂલો માટે ઇમરજન્સી કામ માટે પહેલીવાર રૃ.૪૦લાખ ફાળવ્યા છે.આ ઉપરાંત ગ્રામપંચાયતોના બાંધકામ માટે પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.