સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ સામે કોરોનાના દર્દીઓની સંખ્યાના મામલે તપાસ
વડોદરાઃ સુમનદીપ વિદ્યાપીઠની ધીરજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખોટી દર્શાવવાની આશંકાના પગલે તપાસ શરુ કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે.
કોરોનાની બીજી લહેર શરુ થઈ તે પછી વધતા દર્દીઓની વધતી સંખ્યાના કારણે વડોદરા નજીકની ત્રણ હોસ્પિટલોમાં તંત્ર દ્વારા સરકારના ફ્રી બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં ધીરજ હોસ્પિટલનો પણ સમાવેશ થતો હતો.આ હોસ્પિટલમાં તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ૬૦૦ ફ્રી બેડ ઉભા કરવામાં આવ્યા છે.જેના પર ગોત્રી અને સયાજી હોસ્પિટલમાંથી મોકલવામાં આવતા દર્દીઓની વિના મુલ્યે સારવાર કરવામાં આવે છે.તેની સામે સરકાર દ્વારા દરેક બેડ દીઠ દિવસની ૩૦૦૦ થી ૪૦૦૦ રુપિયાની રકમ હોસ્પિટલને ચુકવવામાં પણ આવે છે.
સૂત્રોનુ કહેવુ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અન ેતંત્રને અપાતા આંકડામાં તફાવત જોવા મળ્યો હતો.જેના પગલે આજે ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી ડો.વિનોદ રાવ દ્વારા હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.ડો.રાવની ટીમના ચાર થી પાંચ સભ્યોએ પીપીઈ કિટ પહેરીને કોરોના વોર્ડમાં દર્દીઓની સંખ્યાનુ ચેકિંગ પણ હાથ ધર્યુ હતુ.સાથે સાથે આ ટીમ દ્વારા કેટલાક દસ્તાવેજો અને કોમ્પ્યુટરનો ડેટા પણ કબ્જે કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
એ પછી જિલ્લા કલેકટર કચેરીને આ બાબતની જાણ કરવામાં આવી હતી.કચેરીને મામલતદાર અને નાયબ મામલતદારની એક ટીમ બનાવીને આગળની તપાસ કરવા અને બે થી ત્રણ દિવસમાં રિપોર્ટ સુપરત કરવા માટે પણ આદેશ કરાયો છે.
તપાસની જાણકારી નથી, તંત્ર દ્વારા જ સારવારની ડોકટરો સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડો.દિક્ષિત શાહે કહ્યુ હતુ કે, આવી કોઈ તપાસ થઈ રહી છે તેવી જાણકારી મારી પાસે નથી.ઉપરાંત હોસ્પિટલમાં જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પણ તંત્રે પોતે જ ગોઠવી છે.અહીંયા તંત્રના આદેશ પ્રમાણે જ દર્દીઓની સારવાર થઈ રહી છે.હોસ્પિટલની અંદર કોરોનાના દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા નિમણૂંક કરેલા ડોકટરો પણ ફરજ બજાવી રહ્યા છે ત્યારે દર્દીઓની સંખ્યામાં તફાવત દર્શાવવાનો સવાલ જ આવતો નથી.