ઈનોવેટિવ પ્રોજેકટસનુ પ્રદર્શન, પ્લાસ્ટિક બોટલોમાંથી સોલર વોટર હીટર, પાણી શુધ્ધ કરતી શ્રીજીની મૂર્તિ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટેના મેકર્સ ફેસ્ટના ભાગરુપે બે દિવસના પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે.
મેકર્સ ફેસ્ટમાં લખનૌના ૧૬ વર્ષના શ્રેયાંસ મહેરોત્રાએ પણ હાજરી આપી હતી.૧૧મા ધોરણના આ વિદ્યાર્થીએ બેટરથી ચાલતી કાર બનાવી છે.જે પ્રદૂષણતો નથી જ ફેલાવતી પણ હવામાં રહેલા ડસ્ટ પાર્ટિકલ્સને ખેંચી લઈને હવાને શુધ્ધ પણ કરે છે.આ માટે તેણે કારને ડસ્ટ ફિલ્ટરેશન સિસ્ટમ વડેસ્જ્જ કરી છે.તેણે કહ્યુ હતુ કે, આ કાર બનાવવામાં મને દોઢ લાખનો ખર્ચ થયો છે.ભવિષ્યમાં હું ડિફેન્સ ટેકનોલોજીમાં સંશોધન કરીને દેશને મદદરુપ થવા માંગુ છું.
જે પ્રોજેકટસ પ્રદર્શિત થયા છે તેમાં સોલર પેનલથી ચાલતી દિવ્યાંગો માટેની વ્હીલ ચેરનો સમાવેશ થાય છે.આ વ્હીલચેર ભવ્ય રાંભિયા, અભય યાદવ, શૌર્યમાન સિંઘ અને ધીરજ ્શર્મા નામના વિદ્યાર્થીઓએ બનાવી છે.
આ ઉપરાંત વડોદરાની સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ધ્વની રાજીવ અને શ્રેયા ઘાડગેએ ફટકડીમાંથી ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવીને રજૂ કરી છે.તેમનુ કહેવુ છે કે, આ મૂર્તિઓ પાણીમાં ઓગળી જવાની સાથે સાથે પાણી શુધ્ધ પણ કરે છે.
મહોમ્મદ ભાટી , મતિન શેખ, મહોમ્મદ મન્સૂરી અને નોમાન પઠાણ નામના વિદ્યાર્થીએ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને સોલર વોટર હીટર સિસ્ટમ બનાવી છે.જેને પણ પ્રદર્શિત કરાઈ છે.
યુવાલય સંસ્થા દ્વારા યોજાયેલા મેકર્સ ફેસ્ટના ભાગરુપેના આ પ્રદર્શનમાં સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓના અલગ અલગ ક્ષેત્રના ૬૦ ઈનોવેટિવ પ્રોજેકટસને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.