છેતરપિંડી કરવાના ગુનામાં જેલના કાચા કામના કેદીનું સારવાર દરમિયાન મોત
ઝાડા અને અશક્તિની સારવાર માટે ૧૦ દિવસ પહેલા સયાજીમાં દાખલ થયા હતા
વડોદરા,શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં સુથ કોમર્સ કંપનીના નામે ઓફિસ બતાવી ડિપોઝિટ અને શેરમાર્કેટમાં ઉંચા વળતરની લોભામણી સ્કીમ મૂકી સંચાલકોએ અનેક લોકોને ફસાવ્યા હતા. આ કેસમાં ધરપકડ પછી જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા વૃદ્ધનું મોત થયું છે.
દીવાળીપુરામાં રહેતા બીનાબેને ચોકસીએ સપ્ટેમ્બર ૨૦૨૩ માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પ્રવિણચંદ્ર અને સાગરીતોએ ડિપોઝિટ તરીકે રકમ સ્વીકારી ઉંચુ વળતર આપવાની અને શેર માર્કેટમાં ૨૪ ટકા જેટલું વળતર આપવાની લોભામણી વાતો કરતાં મે તેમજ મારા પુત્ર અને પુત્રીના નામે રૃ.૨.૦૮ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ હતું.અમારી જેમ અમદાવાદ અને મુંબઇના કેટલાક ઇન્વેસ્ટરોએ પણ રૃ.૪.૬૨ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ હતું. પરંતુ, પાકતી મુદ્દતે રૃપિયા પરત કર્યા નહતા. આ કેસમાં પોલીસે પ્રવિણચંદ્ર હરીલાલ શાહ ( રહે. મુરલીધર એપાર્ટમેન્ટ, વાઘોડિયા રોડ ) ની ધરપકડ કરી હતી. ત્યારબાદ જેલમાં ગયેલા ૭૪ વર્ષના પ્રવિણચંદ્ર શાહને ઝાડા અને અશક્તિ જણાતા ગત તા. ૨૭ - ૦૯ - ૨૦૨૪ ના રોજ તેઓને સયાજી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેઓનું મોત થયું હતું. જે અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.