શોભાયાત્રામાં નાચવા બાબતે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત યુવકનું મોત
પોલીસે મર્ડરની કલમનો ઉમેરો કર્યો : છ થી સાત શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ
વડોદરા,દશામાની શોભાયાત્રામાં નાચવા બાબતે ઝઘડો થતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે ખૂનની કલમનો ઉમેરો કર્યો છે.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતા ચંદ્રિકાબેન નરેશભાઇ ઠાકોરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા. ૧ લી એ સાંજે સાત વાગ્યે દશામાની શોભાયાત્રા જોવા માટે હું અને મારા બંને પુત્રો કિશનવાડી ગધેડા માર્કેટ ગયા હતા. પીયૂષના મિત્રો કુલદિપ તથા શૈલેષ પણ ત્યાં શોભાયાત્રાં નાચતા હતા.પીયૂષ બેભાન હતો. જેથી, તેના મિત્રને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, દશામાની શોભાયાત્રામાં અમે તથા પીયૂષ નાચતા હતા. તે દરમિયાન એક વ્યક્તિનો હાથ પીયૂષને અડી જતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. તેઓએ પીયૂષ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પીયૂષના માથામાં કડું મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાંથી બચીને પીયૂષ ભાગતો હતો. તે સમયે ડિવાઇડર સાથે અથડાઇને પડી જતા બેભાન જેવો થઇ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર લેતો પીયૂષ હજીપણ બેભાન છે.
દરમિયાન ગઇકાલે સારવાર દરમિયાન પીયૂષનું મોત થયું છે. જે અંગે પાણીગેટ પોલીસે મર્ડરની કલમનો ઉમેરો કર્યો છે. પાણીગેટ પી.આઇ.એચ.એમ.વ્યાસે આ ગુનામાં સામેલ આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજ, ખાનગી વીડિયોની ચકાસણી હાથ ધરી છે. આ કેસમાં સામેલ હોવાની શંકાથી પોલીસે છ થી સાત શકમંદોને ઝડપી પાડયા છે. તેઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.