બાઇકની ટક્કર વાગતા ઘાયલ વિદ્યાર્થિની ૧૧૧ દિવસથી કોમામાં
લક્ષ્મીપુરા પોલીસે કડક કાર્યવાહી નહી ંકરી હોવાનો પરિવારનો આક્ષેપ
વડોદરા,બાઇકની ટક્કર વાગતા કોમામાં સરી પડેલી વિદ્યાર્થિની હજી સ્વસ્થ થઇ નથી. ૧૧૧ દિવસથી કોમામાં સરી પડેલી વિદ્યાર્થિનીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થઇ નથી.
રેસકોર્સના પશાભાઇ પાર્ક વાસુકી એપાર્ટમેન્ટમાં રહેતી અને એમ.એસ.યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં અભ્યાસ કરતી નેન્સી તુષારભાઇ બાવીસી નામની યુવતી છેલ્લા ૧૧૧ દિવસથી કોમામાં છે. ગત તા. ૭ મી માર્ચે તે ન્યૂ અલકાપુરી વિસ્તારના એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી મોપેડ લઇને ઘરે આવતી હતી. ગેટની બહાર નીકળતા જ અંદાજે ૧૦૦ કિ.મી.થી વધુની સ્પીડે આવતા એક બાઇક સવારે તેને ટક્કર મારતા તેેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.ત્યારબાદ તે કોમામાં સરી પડી હતી. તના પર પાંચ થી છ ન્યૂરો સર્જરી થઇ છે. જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ, પોલીસે કોઇ નક્કર કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ અંગે લક્ષ્મીપુરા પી.આઇ.નો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમણે ફોન રિસિવ કર્યો નહતો.