લારીવાળાને વાન સાથે ઢસડી જવાના બનાવમાં ઇજાગ્રસ્તનું મોત
ત્રણેય પોલીસ કર્મચારીઓ સામે હત્યાની કલમનો ઉમેરો : પેનલ પી.એમ.ની માંગણી
વડોદરા,ચાર દિવસ પહેલા રેલવે સ્ટેશન નજીક રાતે બે વાગે લારી બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનાર લારીવાળાને વાન સાથે ૧૦૦ મીટર સુધી બેરહેમી પૂર્વક ઢસડી જવામાં આવ્યો હતો. આ કેસમાં ઇજાગ્રસ્તનું મોત થતા પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરશે.
સયાજીગંજમાં કાલુમીયાની ચાલમાં રહેતા મૂળ બિહારના વતની મો.ફૈઝાન શેખ પ્લેટફોર્મ નંબર-૭ની બહાર પીડબલ્યુડીની દિવાલ પાસે રાતે બે વાગ્યે આમલેટની લારી ચલાવતો હોવાથી લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસની પીસીઆર વાનના કર્મચારીઓ સાથે તકરાર થઇ હતી.ફૈઝાનને પોલીસ વાન ૧૦૦ મીટરથી વધુ અંતર સુધી ઢસડી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આજે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ગુનામાં પકડાયેલા ં (૧) મોહંમદ મુબશશિર મોહંમદ સલીમ(એલઆરડી)(૨) રઘુવીર ભરતભાઇ(એલઆરડી) અને (૩) કિશન નટવરભાઇ પરમાર(કોન્ટ્રાક્ટનો ડ્રાઇવર)(રહે.ભવ્યમ હોમ્સ,પાણીની ટાંકી પાસે,અટલાદરા) ની સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે. મૃતકના સગાઓ દ્વારા પેનલ પી.એમ.ની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ હતી.