રીંછે હુમલો કરતા ઘાયલ વૃદ્ધાને સયાજીમાં ખસેડાઇ
ચાર દિવસ પહેલા ખેતરમાં ઘાસ કાપતા સમયે રીંછે હુમલો કર્યો હતો
વડોદરા,છોટાઉદેપુર તાલુકામાં રીંછના હુમલાના બનાવોમાં વધારો થયો છે. ગત તા. ૯ અને ૧૦ ના રોજ ત્રણ વ્યક્તિઓને રીંછે ઇજા પહોંચાડી હતી. જે પૈકી એક મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
છોટાઉદેપુર તાલુકામાં રીંછ ના હુમલા ના બનાવો બની રહ્યા છે. ગત તા. ૧૦મી એ એક રીછ છોટાઉદેપુર તાલુકાના વીરપુર ગામ નજીક એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ૯મી તારીખે પણ એક રીંછે છોટાઉદેપુર તાલુકાના વાગલવાડામાં એક વૃદ્ધા અને ચીલીયાવાટ ગામે એક આધેડ ઉપર હુમલો કર્યો હતો. વાગલવાડા ગામે સવારે સાડા આઠ વાગ્યે ખેતરમાં ઘાસ કાપતા ૬૫ વર્ષના કુંડીબેન ફૂલજીભાઇ રાઠવા પર રીંછે હુમલો કર્યો હતો. કુંડીબેનને ડાબા હાથે ઇજા પહોંચતા તેઓને સારવાર માટે છોટાઉદેપુરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.