સમા - સાવલી રોડ પર વાહનની ટક્કરે ઘાયલ વૃદ્ધનું મોત
દુકાનની સાફ સફાઇ કરી કચરો નાંખવા ગયા ત્યારે જ વાહન ચાલકે અડફેટે લીધા
વડોદરા,સમા સાવલી રોડ પર વહેલી સવારે વૃદ્ધને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થતા હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કારેલીબાગની પુરૃષોત્તમ નગર સોસાયટીમાં રહેતા જીજ્ઞોશકુમાર કાંતિલાલ ઠક્કર તેના પિતા અને નાનો ભાઇ કુશલ સાથે રહીને ઘરની નીચે જય નારાયણ સુપર સ્ટોર નામની દુકાન ચલાવે છે. આજે સવારે સાડા પાંચ વાગ્યે જીજ્ઞોશના પિતા કાંતિલાલ અંબાલાલ ઠક્કર, ઉં.વ.૭૩ દુકાનની સફાઇ કરી કચરો નાંખવા માટે સમા - સાવલી રોડ પાયલ પાર્ક સોસાયટીના નાકા પાસે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા માથામાં તથા જમણા પગે ગંભીર ઇજા પહોંચી હતી. કાંતિલાલને તેમનો નાનો દીકરો કુશલ સારવાર માટે સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, તેઓની હાલત વધુ ગંભીર હોઇ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. બનાવ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.