સંરક્ષણ ક્ષેત્રમાં ઉદ્યોગો માટે પુષ્કળ તકો, ૧ લાખ કરોડના હથિયારોના ઓર્ડર છે

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
સંરક્ષણ ક્ષેત્રમાં ઉદ્યોગો માટે પુષ્કળ તકો, ૧ લાખ કરોડના હથિયારોના ઓર્ડર છે 1 - image

 વડોદરાઃ ભારતની આર્મી, નેવી અને એરફોર્સ પાસે જ એક લાખ કરોડના ઓર્ડર હાલમાં અને નજીકના ભવિષ્યમાં હશે.ભારતના ઉદ્યોગો પાસે સંરક્ષણ ક્ષેત્રમાં ઘણી તકો રહેલી છે તેમ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના ક્વોલિટી એસ્યોરન્સ વિભાગના ડાયરેકટર જનરલ લેફટન્ટ જનરલ આર એસ રીને કહ્યુ હતુ.

વડોદરામાં ં સંરક્ષણ વિભાગ અને તેના ડાયરેકટર જનરલ ઓફ ક્વોલિટી એસ્યોરન્સ અને ભારતીય નૌસેના દ્વારા  ૧૪ ડિસેમ્બર, ગુરુવારે વેસ્ટ ઝોન ક્વોલિટી એસ્યોરન્સ ઈન્ડસ્ટ્રીઝ કોન્ક્લેવનુ ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલના ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં હાજર રહેલા લેફ્ટનન્ટ જનરલ આર એસ રીને પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત પહેલેથી જ ઉદ્યોગો માટે હબ છે અને સંરક્ષણ ક્ષેત્રમાં પણ તે કાઠુ કાઢી રહ્યુ છે.ભારત સરકારની મેક ઈન ઈન્ડિયા અને આત્મ નિર્ભર ભારતની નીતિના કારણે ભારતના જ ઉદ્યોગો માટે સંરક્ષણ ક્ષેત્રમાં ઘણી તકો રહેલી છે.હવે સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા હથિયારોમાં મિકેનિકલ અને ઈલેક્ટ્રોનિકસ એમ બંને ટેકનોલોજીનુ મિશ્રણ  થઈ રહ્યુ છે.ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય  પ્રોડક્ટસનો સ્ટડી કરીને અને આંતરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા સાથેની  ટેકનોલોજી ડેવલપ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં રહેલા અવસરોનો ફાયદો ઉઠાવી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે, કોઈ પણ હથિયારના વપરાશ પહેલા ક્વોલિટી એસ્યોરન્સની મહત્વની ભૂમિકા રહેલી છે.અમે હવે ક્વોલિટી એસ્યોરન્સમાં પણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

સરકારના ડિફેન્સ પ્રોડક્શનના એડિશનલ સેક્રેટરી ટી નટરાજને કહ્યુ હતુ કે, સંરક્ષણ ક્ષેત્રમાં ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે.હવે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના નાના અને મધ્યમકદના ઉદ્યોગો પણ સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.આગામી દિવસોમાં અમે ટેસ્ટિંગ માટેનુ માળખુ મજબૂત બનાવવા પર ભાર મુકી રહ્યા છે.ભારત ઘરઆંગણે હથિયારોના ઉત્પાદન સાથે વૈશ્વિક માર્કેટમાં એક્સપોર્ટ પર પણ નજર રાખી રહ્યુ છે.

ડિફેન્સ સેક્ટરમાં ભારતના ઉદ્યોગોનું ઉત્પાદન છ વર્ષમાં બમણું થયુ

સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત ઉદ્યોગોના સેંગઠન સોસાયટી ઓફ ઈન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સના મુખ્ય સલાહકાર અને નૌસેનાના નિવૃત્ત રીયર એડમિરલ પી.લાલે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ૨૦૧૬-૧૭માં ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં કુલ ૫૪૦૦૦ કરોડ રુપિયાનુ ઉત્પાદન થયુ હતુ અને આજે આ આંકડો એક લાખ કરોડ રુપિયા પર પહોંચ્યો છે.સરકારે ૨૦૨૪-૨૫ સુધીમાં ઘર આંગણે સંરક્ષણ ક્ષેત્રનુ ઉત્પાદન વધારીને ૧.૭૫ લાખ કરોડ પર પહોંચાડવાનો અને આ પૈકી ૩૫૦૦૦ કરોડ રુપિયાના હથિયારોની નિકાસ કરવાનો લક્ષ્યાંક મુક્યો છે.જે હાંસલ થઈ શકે તેમ છે.૨૦૨૨-૨૩માં ભારતે ૧૫૦૦૦ કરોડ રુપિયાના હથિયારોની નિકાસ કરી છે.ફિલિપાઈન્સ અને વિયેતનામ જેવા દેશો ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદી ચુકયા છે.જ્યારે આર્જેન્ટિના જેવા દેશો ભારતમાં જ બનેલા લડાકુ વિમાન તેજસ ખરીદવામાં રસ બતાવી રહ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં એમએસએમઈ એટલે કે નાના અને મધ્યમકદના ૧૨૦૦૦ ઉદ્યોગો અત્યારે સંરક્ષણ ક્ષેત્રની વિવિધ પ્રોડક્ટસ માટે નાના મોટા પાર્ટસ બનાવી રહ્યા છે.જોકે નાના ઉદ્યોગો માટે પડકાર આ ક્ષેત્રમાં રોકાણનો છે.મોટા ઉદ્યોગો તો લાંબા સમય સુધી રોકાણ કરીને સરકારને પ્રોડક્ટસ બનાવીને ઓર્ડર મેળવી રહ્યા છે પણ નાના ઉદ્યોગો ઓર્ડર ના મળે ત્યાં સુધી મોટુ રોકાણ કરી શકે તેવી સ્થિતિમાં નથી હોતા.આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્ર ભારતના મોટાભાગના ઉદ્યોગો માટે નવુ છે.

ગુજરાતમાં બુલેટ પ્રૂફ જેકટ બની રહ્યા છે

સોસાયટી ઓફ ઈન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પિયુષ તંબોળીએ કહ્યુ હતુ કે, ગુજરાતમાંથી ૧૦૦ જેટલા ઉદ્યોગો સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદન સાથે જોડાયેલા છે.ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ડિફેન્સ સેક્ટરમાં ઘણી તકો રહેલી છે.ગુજરાતમાં હવે બુલેટ પ્રૂફ જેકેટનુ ઉત્પાદન થઈ રહ્યુ છે.ઉદ્યોગોને ડીઆરડીઓ પણ ટેકનોલોજીના મોરચે મદદ પૂરી પાડે છે.ભારતના ઉદ્યોગો પાસે ક્ષમતા અને જાણકારી બંને છે પણ અત્યાર સુધી સરકારની નીતિઓના કારણે ઉદ્યોગોને તકો મળતી નહોતી.હવે સરકારની નીતિ બદલાઈ છે.આગામી વર્ષોમાં ગુજરાત ડિફેન્સ સેક્ટરનુ હબ બને તેવી પૂરી શક્યતા છે.



Google NewsGoogle News