Get The App

વડોદરામાં ઔદ્યોગિક પ્રદૂષણ જમીનના પેટાળમાં પહોંચ્યું : ભૂગર્ભ જળ ઝેરી બન્યા

ભૂગર્ભ જળમાં ઝીરો સીઓડી હોવું જોઇએ તેના બદલે જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં 1500થી 2000 નોંધાયુ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ઔદ્યોગિક પ્રદૂષણ જમીનના પેટાળમાં પહોંચ્યું : ભૂગર્ભ જળ ઝેરી બન્યા 1 - image
સારોદ પાસે મહિસાગર નદીમાં પ્રદૂષણની સ્થિતિ તસવીરમાં નજરે પડે છે

વડોદરા : ગુજરાત સહિત ૨૪ રાજ્યોના ભૂગર્ભ જળ જોખમકારક હોવાનુ બહાર આવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ મામલે કેન્દ્રિય ભૂગર્ભ જળ ઓથોરિટીને નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે. આ ૨૪ રાજ્યોના ભૂગર્ભ જળમાં વધુ પ્રમાણમાં આર્સેનિક અને ફ્લોરાઇડ મળી આવ્યા છે. વડોદરા જિલ્લામા પણ ભૂગર્ભ જળ ઝેરી બન્યા છે. પર્યાવરણવાદીઓ ૩ દાયકાથી આ મામલે લડત ચલાવી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. 

વડોરા જિલ્લામાં ઉદ્યોગોનું ઝેરી પાણી પાછલા બે ત્રણ દાયકાથી જમીનમાં  ઊંડે સુધી ઉતરી રહ્યું છે જેના કારણે ભૂગર્ભ જળમાં ભારે માત્રામાં કેમિકલની હાજરી મળી રહી છે. ગુજરાત પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડે બે વર્ષ પહેલા લીધેલા સેમ્પલના પરિણામ ભયજનક જણાયા હતા અને ત્યારે આખા દેશમાં વડોદરા જિલ્લાના ભૂગર્ભ જળ સૌથી પ્રદૂષિત હોવાનું આ પરિણામોથી પુરવાર થયુ હતુ તેમ છતાં આ મામલે કોઇ પગલા લેવામાં નહી આવતા સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. તેવુ પર્યાવરણવાદીઓનું કહેવું છે.

પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ કહે છે કે 'આ સમસ્યા આજની નથી છેલ્લા ત્રણ દાયકાથી અમે ફરિયાદ કરી રહ્યા છીએ.૧૯૯૪માં વડોદરાથી માંડ પાંચ કિ.મી. દૂર આવેલા શેરખી ગામના કુવાનું પાણી લાલ થતાં અમે ત્યારે પણ આ બાબતે સરકારનું ધ્યાન દોર્યુ હતુ પરંતુ ત્યારથી આજ સુધી ઉદ્યોગો સામે કોઇ પગલા લેવાયા નથી. અમે ગુજરાત પાલ્યૂશન કન્ટ્રોલ બોર્ડને સાથે રાખીને વડોદરા જિલ્લાના અનેક સ્થળોએ ભૂગર્ભ પાણીના સેમ્પલો લીધા છે જેનાથી પુરવાર થયુ છે કે ભૂગર્ભ જળ ઝેરી બની ગયા છે.દા.ત. વડોદરાથી ૨૦ કિ.મી.દૂર લુણા અને ૪૦ કિ.મી. દૂર દુધવાડા ગામના ત્રણ કુવાઓમાંથી પાણીના સેમ્પલ લીધા હતા. જેના પરિણામોમાં એવુ બહાર આવ્યુ કે પાણીમાં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (સીઓડી)  એક લીટરે ૧૫૦૦ થી ૨૦૦૦ મિલિગ્રામ  છે. ભૂગર્ભ જળ કે નદી-નાળામાં સીઓડી એટલે કે કેમિકલની હાજરી ઝીરો હોય છે તેના બદલે ૧૫૦૦ થી ૨૦૦૦નું પ્રમાણ બતાવે છે કે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો માનવી,પ્રાણીઓ અને પર્યાવરણ માટે ઝેર સમાન છે.'

૫૫ કિ.મી.ની એફ્લુએન્ટ ચેનલ પ્રદૂષણનું મુખ્ય કારણ

વડોદરાના નંદેસરી વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર છે. અનેક કેમિકલ ઉદ્યોગો ત્યા આવેલા છે. નંદેસરી નજીક ધનોરાથી ઉદ્યોગોનું પ્રદૂષિક પાણીને વહન કરતી એફ્લુએન્ટ ચેનલનો પ્રારંભ થાય છે અને ૫૫.૬ કિ.મી. દૂર સારોદ પાસે આ ચેનલ પુરી થાય છે જ્યાં મહિસાગરમાં એફ્લુએન્ટ ઠાલવી દેવામાં આવે છે. એફ્લુએન્ટ ચેનલનો પ્રારંભ ૩ દાયકા પહેલા થયો હતો ત્યારથી આજ સુધી એફ્લુએન્ટ પ્લાન્ટમાં નિયમ મુજબ પાણી ફિલ્ટર થયુ નથી. ચેનલો પણ અનેક સ્થળે તુટેલી છે જેના કારણે  પ્રદૂષિક પાણીખેતરોમાં અને ખુલ્લી જમીનમાં વહી જાય છે.આ ચેનલની બન્ને તરફ આવેલા ૪૬ ગામોના ભૂગર્ભ જળની આ સ્થિતિ અત્યારે ઝેર કરતા પણ વધુ ખતરનાક છે. 

બોર અને કૂવામાંથી પાણી નહી ઝેરી કેમિકલ જ નીકળે છે

પાણીમાં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (સીઓડી)એટલે  સાદી ભાષામાં પાણીની અંદર ઝેરી કેમિકલની માત્રા બતાવતુ માપ. કુદરતી પાણીમાં ઓક્સિજનની માત્રા ભરપુર હોય છે જ્યારે ઝેરી કેમિકલ ઝીરો હોય છે. તેના કારણે જ જળચરો તેમાં જીવે છે અને પર્યાવરણનો વિકાસ થાય છે. પાણીમાં જેમ જેમ ઝેરી કેમિકલનો ઉમેરો થતો જાય છે તેમ તેમ તેને શુધ્ધ કરવા માટે પાણીનું ઓક્સિજન વપરાય છે. વડોદરા જિલ્લામાં ભૂગર્ભ જળમાં નોંધાયેલા ૧૫૦૦ થી ૨૦૦૦ સીઓડીના કારણે એને પાણી જ ના કહી શકાય પણ એવુ કહી શકાય કે જમીનમાંથી પાણી નહી પરંતુ ઝેરી કેમિકલ જ નીકળે છે.

૪૪ ગામોમાં ખેતીવાડી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પડી ભાંગ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકો અને ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના મળીને ૪૪ ગામો માટે મુખ્ય આવકનો સ્ત્રોત ખેતીવાડી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ હતો પરંતુ છેલ્લા બે દાયકાથી તે પડી ભાંગ્યા છે જેનુ કારણ ઔદ્યોગિક પ્રદૂષણ છે.

ઉદ્યોગો દ્વારા છોડવામા આવતા ઝેરી રસાયણિક પ્રવાહીને એફ્લુએન્ટ ચેનલ મારફતે મહિસાગર સુધી લઇ જવાય છે. આ ચેનલ વર્ષોથી લિકેજ હોવાથી પાણી આસપાસના ખેતરોમાં ફરી વળે છે અને જમીનમા ઉતરે છે, નદીમાં ઠલવાય છે. એક તરફ સરકાર ઓર્ગેનિક ખેતીના ઢંઢેરા પીટે છે પરંતુ ૪૪ ગામમાં સ્થિતિ એવી છે કે ખેડૂતો રાસાયણિક ખેતી બંધ કરીને ઓર્ગનિક ખેતી કરે તો પણ જમીનમાંથી આવતુ પાણી જ ઝેરી રાસાયણિક છે તો તેનો ઉપાય શુ ?


Google NewsGoogle News