મોરિયો, કોદરી અને વારી જેવા દેશી સુપરફૂડ તંદુરસ્તી માટે ઉત્તમ
બરછટ-દેશી ધાન્યો અંગે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં ખાસ કાર્યક્રમ
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સીસ ફેકલ્ટીના ફુડ્ઝ એન્ડ ન્યુટ્રિશન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ (બરછટ-દેશી ધાન્ય) વર્ષની ઉજવણીના ભાગ રૃપે દેશી ધાન્ય મેળાનું તા.૧૨મી જાન્યુઆરી ગુરૃવારના રોજ ફેકલ્ટીમાં આયોજન કરવામાં આવ્યુ છે. આ મેળામાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ દેશી ધાન્યોની માહિતી આપવામાં આવશે.
આજે બાજરી સહિતના દેશી ધાન્યોની જાગૃતિ અંગે રેલી અને વાનગી સ્પર્ધાનું આયોજન, ગુરૃવારે દેશી ધાન્ય મેળો યોજાશે
આ અંગે માહિતી આપતા ફેકલ્ટીના પ્રધ્યાપકોએ કહ્યું હતું કે 'આપણે ખોરાકમાં મુખ્યત્વે ઘઊં અને ચોખા જ વાપરી રહ્યા છીએ હકિકતે ભારતમાં ૧૦૦ વર્ષ પહેલા ઘઊં અને ચોખાનું ચલણ ઓછુ હતુ તેના બદલે દેશી ધાન્યોનો જ ઉપયોગ થયો હતો જેમાં બાજરી, જુવાર, કાંગ, નાગલી (રાગી), મોરિયો, કોદરી, વારી,સામો અને રાજગરાનો સમાવેશ થાય છે. આ ધાન્યોને બાફીને, શેકીને, તેનો લોટ બનાવીને, આથીને, ફણગાવીને ખાઇ શકાય છે.પુલાવ, બિરિયાની, લાડુ, થેપલા અને ઇડલી પણ બનાવી શકાય છે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દેશી- બરછટ ધાન્યના ફાયદાઓ
- હૃદયરોગનું જોખમ ઓછુ કરે છે
- બ્લડ સ્યૂગરને ઘટાડે છે
- પાચનતંત્રના રોગ સામે રક્ષણ આપે છે
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે
- મેદસ્વિતાને નિયંત્રીત કરે છે