જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસ અને રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે, જાણો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમ
Indian Flag Code : દેશની આઝાદીના 77 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશના સ્વાભિમાન, આશા અને આકાંક્ષાઓ સાથે તિરંગો સૌ કોઈ ફરકાવે છે ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તે મુજબ જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસ અને રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે. ધ્વજ કેવો હોવો જોઇએ ? કેટલો મોટો હોવો જોઇએ ? એ સહિતની બાબતોની એક સંહિતા અમલી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા-2002 અમલમાં છે. જેમાં રાષ્ટ્ર ધ્વજ અંગે કેટલીક ચોક્કસ પ્રકારની સંહિતા ઘડી કાઢવામાં આવી છે. રાષ્ટ્રધ્વજનું કદ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય. ક્ષત થયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થાના નિયમો તેમાં છે. હર ઘર તિરંગા અભિયાનને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટેના સમયના નિયમમાં વર્ષ 2022 માં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવેથી જાહેરમાં કે વ્યક્તિગત રીતે ઘરમાં દિવસ અને રાતે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પૂર્વે રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો. ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઇએ નહીં. ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઇએ. રાષ્ટ્ર ધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો. એટલે તેની સાથે બીજો કોઇ ધ્વજ લહેરાવી શકાય નહીં. નિયત કદના રાષ્ટ્ર ધ્વજ બનાવવા માટે હાથશાળ, હાથવણાટ કે મશિન દ્વારા કોટન, પોલીએસ્ટર, ઉન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં 2021માં સુધારો કરવામાં આવ્યો છે. તે સુધારાથી મશીન દ્વારા નિર્મિત પોલીએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે.