આજથી IPC, CRPC અને EV એક્ટને તિલાંજલી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં વીડિયોગ્રાફી ફરજિયાત કરી દેવાઇ
કેસ દરમિયાન દર્શાવેલા પંચોની જુબાની કોર્ટમાં બદલાઇ જતા હવે વીડિયો બનાવી ઇ-સાક્ષ્ય એપ્લિકેશનમાં અપલોડ કરવાનો રહેશે
વડોદરા, તા.30 ૧૫૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષ જૂના અંગ્રેજો સમયના આઇપીસી, સીઆરપીસી અને ઇવી એક્ટ કાયદાને તિલાંજલી આપી આવતીકાલે તા.૧ જુલાઇથી નવા ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ)નો અમલ થઇ રહ્યો છે. નવા કાયદામાં ફરિયાદીને વધુ રક્ષણ મળે તેવી જોગવાઇઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ખાસ કરીને પુરાવા મેળવવા માટેના અગાઉના ઇવી એક્ટના બદલે ભારતીય સાક્ષ્ય અધિનિયમ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ નવા કાયદા અંતર્ગત વીડિયોગ્રાફી ફરજિયાત કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા અગાઉ પંચો દર્શાવાતા હતા પરંતુ કોર્ટમાં કેટલીક વખત ફરી જતાં કેસ નબળો પડી જતો હતો જેથી હવે વીડિયોગ્રાફી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇવી એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટના કેટલાંક ચુકાદા અંતર્ગત સીઆરપીસી હેઠળ બનાવવાળી જગ્યા, સર્ચ અને સિઝ તેમજ ઝડતી દરમિયાન વીડિયોગ્રાફી કરવામાં આવતી હતી. હવે નવા બીએનએસએસ કાયદા મુજબ સરકાર દ્વારા જ વીડિયોગ્રાફી ફરજિયાત કરી દેવામાં આવી છે. જેમાં બીએનએસએસ૧૭૫ મુજબ બનાવવાળી જગ્યા, ૧૦૫ મુજબ સર્ચ અને સિઝ વખતે ૧૮૫ મુજબ મુદ્દામાલ કબજે કરે ત્યારે વીડિયોગ્રાફી કરવાની રહેશે.
નવા કાયદા મુજબ ઇ-સાક્ષ્ય એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં તપાસ કરનાર દરેક અધિકારીના આઇડી પાસવર્ડ હશે અને તેમાં કેસને લગતી વિગતોથી માંડી તમામ વિગતો, પુરાવા તેમાં જ અપડેટ કરવાના રહેશે. નવા કાયદા અંતર્ગત આ એપ્લિકેશનમાં જ ચાર મિનિટ સુધીનો પ્રથમ વીડિયો અપલોડ થઇ શકશે અને બાદમાં જો વધુ વીડિયોની જરૃર હોય તો આગળના વીડિયો પણ ચાર ચાર મિનિટના ઉમેરી શકાશે.
આવતીકાલથી અમલમાં આવનારા નવા નામના કાયદાઓ માટે સમગ્ર પોલીસતંત્રને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તેમ છતાં શરૃઆતમાં ઘણી તકલીફો પડશે તે પણ સત્ય છે. નવા કાયદામાં મોટાભાગે દરેક વિગતો અંગ્રેજીમાં અપલોડ કરવાની હોય છે જેથી શરૃઆતમાં ભાષા જ નડતર બનશે તેમ મનાય છે.
જૂના કેસોની તપાસ પણ હવે નવા કાયદાના નામ સાથે થશે
આવતીકાલથી ભારતીયના નામ સાથેના નવા કાયદાઓનો અમલ થવાનો છે ત્યારે અત્યાર સુધી નોધાયેલા આઇપીસી, સીઆરપીસી તેમજ ઇવી એક્ટ મુજબ નોંધાયેલા કેસની આગળની તપાસમાં શું કરવું તેવો પ્રશ્ન ઉઠયો હતો પરંતુ સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે જૂના નામના કાયદાના બદલે હવે આવતીકાલથી જે તપાસ થશે તે જૂના નામના કાયદાને સમકક્ષ નવા નામના કાયદા મુજબ કરવામાં આવશે અને તે મુજબ જ કોર્ટમાં પણ તે મુજબ કાર્યવાહી હાથ ધરાશે.
ફરિયાદીને હવે એફઆઇઆર અને ચાર્જશીટની નકલ ઓનલાઇન મળી જશે
બીએનએસ, બીએનએસએસ અને બીએસએ કાયદાના અમલ પહેલાં પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ થતી હતી તેની એક નકલ ફરિયાદીને આપવામાં આવતી હતી. પરંતુ હવે ઉપરોક્ત નવા કાયદા મુજબ એફઆઇઆર દાખલ થતાની સાથે જ ફરિયાદીએ દર્શાવેલ ઇમેઇલ એડ્રેસ પર તેની નકલ મળી જશે. જ્યારે પોલીસ દ્વારા ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવે ત્યારે એવી જોગવાઇ હતી કે આરોપીને મફત ચાર્જશીટની નકલ અપાતી હતી પરંતુ હવે ફરિયાદીને પણ મફત ચાર્જશીટની નકલ ઓનલાઇન મળી જશે. હાલ માત્ર ઇમેઇલ એડ્રેસનો ઉલ્લેખ કરાયો છે પરંતુ આગામી દિવસોમાં અન્ય સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદની નકલ મળે તેવી સુવિદ્યા ઊભી કરાશે.
૩ વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઇવાળા કેસમાં ધરપકડ માટે ડીવાયએસપીની મંજૂરી જરૃરી
આવતીકાલથી અમલમાં આવનારા નવા નામના કાયદામાં આરોપીઓની ધરપકડ માટે ઉચ્ચ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા કિસ્સામાં ૧૫ વર્ષથી નીચેની વય તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની તપાસ કરનાર અધિકારીએ જ્યારે ધરપકડ કરવાની હોય ત્યારે ડીવાયએસપી અથવા એસીપીની મંજૂરી લેવી ફરજિયાત બતાવાઇ છે.
પોલીસ તપાસ કેટલે પહોંચી તેની જાણ ૯૦માં દિવસમાં ફરિયાદીને કરાશે
પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં કેસોની તપાસ કરતાં દરેક પોલીસ કર્મચારી અથવા અધિકારી દ્વારા કેસની તપાસનો પ્રોગ્રેસ નવા પોર્ટલ અથવા એપ્લિકેશનમાં આપવાનો રહેશે. તપાસ હાથમાં લીધાના ૩૦માં દિવસે તપાસ કેટલે પહોંચી તે તપાસ અધિકારીએ જોવાનું રહેશે. બાદમાં ૪૫ દિવસ પછી ડીવાયએસપી અથવા એસીપી દ્વારા ખુલાસા મંગાશે અને જો ૫૦ દિવસ થશે તો એસપી ખુલાશો માંગશે. ૯૦માં દિવસે ફરિયાદી અથવા પીડિતાને કેસના પ્રગતિની એસએમએસ અથવા ઇમેઇલ દ્વારા જાણ થશે.