આર્મીના કર્નલે ૭૭ વર્ષની વયે પીએચડીની ડિગ્રી હાંસલ કરી
વડોદરાઃ ભણવાની કે જ્ઞાાન પ્રાપ્ત કરવાની કોઈ ઉમર હોતી નથી.જીંદગી સતત શિખ્યા કરતા રહેવાની પ્રક્રિયા છે. આ ઉક્તિ વડોદરામાં રહેતા ભારતીય સેનાના કર્નલ સંજીવ ધારવાડકરે સાચી પાડી છે.હાલમાં સેવા નિવૃત્ત એવા આ અધિકારીએ ૭૭ વર્ષની વયે એમ.એસ.યુનિવર્સિટીમાંથી પીએચડી કરીને નવો વિક્રમ સર્જયો છે.કર્નલ ધારવાડકરનો કિસ્સો એવા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારુપ છે જેઓ અધવચ્ચેથી કંટાળીને, હારી થાકીને કે બીજા કારણસર અભ્યાસ છોડી દે છે.
યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગમાંથી વરિષ્ઠ પ્રોફેસર શ્વેતા જેજુરકરના હાથ નીચે ચારિત્ર્ય નિર્માણ વિષય પર ગત વર્ષે પીએચડી કરનારા કર્નલ ધારવાડકર કહે છે કે, હું વડોદરામાં જન્મ્યો હતો.મુંબઈમાં મેં શાળાનો અને ફરી વડોદરામાં ટેકનોલોજી ફેકલ્ટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.એ પછી હું સેનામાં જોડાયો હતો.૧૯૭૧નુ પાકિસ્તાન સામેના યુધ્ધમાં પણ મેં ફરજ બજાવી હતી.અને નિવૃત્ત થયા બાદ વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં જ રહું છું.આર્મીની નોકરી દરમિયાન દારુ અને સિગારેટ પીવાની ટેવ હતી.નિવૃત્ત બાદ મને હાર્ટ એટેક આવ્યો હતો અને બાયપાસ સર્જરી પણ કરાવવી પડી હતી.સાજા થવા માટે મેં દવાઓની સાથે યોગ અને આધ્યાત્મનો સહારો લીધો હતો અને તેનો મને ફાયદો થયો હતો.
તેમના કહેવા અનુસાર આ દરમિયાન ભારતના વેદ પુરાણ અને બીજા ગ્રંથોમાં મને રસ જાગ્યો હતો અને મેં ૨૦૦૪ થી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરવાનુ શરુ કર્યુ હતુ.૧૧ વર્ષ સુધી અહીંયા ભણ્યા બાદ મેં પીએચડીની ડિગ્રી હાંસલ કરવાનો નિર્ધાર કરીને પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યો હતો.જેમાં પાસ થયા બાદ મેં સંસ્કૃત વિભાગના પ્રોફેસર શ્વેતા જેજુરકરના હાથ નીચે પીએચડી શરુ કર્યુ હતુ.લગભગ આઠ વર્ષની મહેનત બાદ ૭૭ વર્ષની વયે મને ગયા વર્ષે પીએચડીની ડિગ્રી મળી હતી.કર્નલ ધારવાડકર કહે છે કે,મારી અભ્યાસની સફરમાં મારા પત્નીનો બહુ મોટો ફાળો રહ્યો છે.અભ્યાસ માટે મારી બેગ તૈયાર કરવાથી માંડીને તમામ કાળજી તેણે લીધી હતી.મારા પુત્ર અને પુત્રી પણ મને સતત પ્રોત્સાહન આપતા રહેતા હતા.
દેશની તમામ સમસ્યાઓની ચાવી ચારિત્ર્ય નિર્માણમાં છે
ચારિત્ર્ય નિર્માણ વિષય પર કર્નલ ધારવાડકરનુ માનવુ છે કે, દેશની તમામ સમસ્યાની ચાવી ચારિત્ર્ય નિર્માણમાં છે.સમાજ અને વ્યક્તિના ચારિત્ર્યનુ ઘડતર કરવાની જરુરિયાત છે.સંસ્કૃત સાહિત્યમાં તેના માટે ઘણા ઉપયોગી ગ્રંથ છે.ભગવદ ગીતાની જ વાત કરીએ તો તેમાં ચારિત્ર્ય નિર્માણ માટેની ઘણી વસ્તુઓ છે.આદી શંકરાચાર્ય રચિત વિવેક ચૂડામણી..ગ્રંથમાં ચારિત્ર્ય નિર્માણ માટે ઘણી બાબતો લખાયેલી છે.મારા પીએચડી થિસિસમાં પણ મેં આદી શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, સ્વામી ચિન્મયાનંદ તેમજ ડો.દિપક ચોપરા પર ભાર મુક્યો છે.ચારિત્ર્ય નિર્માણની શરુઆત સ્કૂલમાંથી જ નહીં પણ માતાના ગર્ભમાંથી થઈ જાય છે.દરેક બાળક પોતાની રીતે જિનિયસ હોય છે.તેનામાં કોઈને કોઈ પ્રકારની ક્ષમતા રહેલી હોય છે.અત્યારની જે શિક્ષણ પધ્ધતિ છે તે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી.બાળકોને સ્કૂલમાંથી ચારિત્ર્ય નિર્માણના પાઠ ભણાવવા હોય તો મારુ પીએચડી ઘણુ કામ લાગી શકે છે.