ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ધમકાવીને રાતોરાત મીટરો લગાવાયા
વડોદરાઃ વડોદરામાં સ્માર્ટ વીજ મીટર સામે થઈ રહેલા વિરોધમાં હવે વિરોધ પક્ષો પણ જોડાઈ ગયા છે.રાષ્ટ્રીય સ્તરે બનાવાયેલા ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિવસેનાના સ્થાનિક નેતાઓ, કાર્યકરોએ રેસકોર્સ સર્કલથી કલેકટર કચેરી સુધી એક રેલી કાઢી હતી અને કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
નેતાઓએ કહ્યુ હતુ કે, વીજ કંપનીને પાયલોટ પ્રોજેકટ માટે ગરીબ અને મધ્યમવર્ગના જ લોકો દેખાયા છે.લોકોને જાગૃત કરવાની જગ્યાએ સીધા જ પોલીસને લઈ જઈને મીટરો નાંખવાનુ શરુ કરી દીધુ હતુ.લોકોને દંડ થશે તેવો ડર બતાવ્યો હતો.વીજ કંપનીને સરકાર તાત્કાલિક મીટરો લગાવવાનુ બંધ કરીને પ્રજાની ઉઘાડી લૂંટ થતી અટકાવવા માટે આદેશ આપે.
કલેકટર સમક્ષ આગેવાનોએ રજૂઆત કરી હતી કે, પંદર વર્ષ ચાલે તેવા વીજ મીટરો અચાનક જ બદલવાની શું જરુર પડી ગઈ તે સમજ નથી પડી રહી.સ્માર્ટ મીટરના કારણે લોકોના બિલમાં તોતિંગ વધારો થઈ ગયો છે.૨૦૦૦ રુપિયાનુ રિચાર્જ પણ પાંચ દસ દિવસમાં પૂરુ થઈ જવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે.એવુ લાગે છે કે, એક દિવસ આ સરકાર શ્વાસ લેવા પર પણ ટેકસ નાંખશે.જો સ્માર્ટ મીટર લગાવવાનુ બંધ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
પહેલા મેયર, કોર્પોરેટર, ધારાસભ્યોને ત્યાં સ્માર્ટ મીટર ફિટ કરો
વડોદરામાં સ્માર્ટ વીજ મીટર સામે થઈ રહેલા વિરોધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ પણ વાયરલ થયો છે અને વડોદરાના લોકો પણ આ જ પ્રકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
આ મેસેજમાં કહેવાયુ છે કે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોની ઘરે સ્માર્ટ મીટર લગાડવા કરતા સૌથી પહેલા સ્માર્ટ મીટર મેયરના ઘરે અને એ પછી સ્થાયી સમિતિના ચેરમેનના ઘરે લગાડવુ જોઈએ.એ પછી વડોદરાના તમામ ૭૬ કોર્પોરેટરના ઘરે અને પાંચ ધારાસભ્યોના ઘરે મીટરો લગાડવામાં આવે.સાંસદના ઘરે અનએ માલેતુજારોના ઘરે સ્માર્ટ મીટર ફિટ થવુ જોઈએ.મોટી મોટી પ્રાઈવેટ કોલેજો, હોસ્પિટલોનો વારો આવવો જોઈએ.એ પછી મધ્યમવર્ગ અને ગરીબોના ઘરે મીટર લગાડવામાં આવે.