વડોદરા જિલ્લાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાંથી ફરી ચૂંટણી લડે તેવી અટકળો
વડોદરાઃ વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ફરીથી ચૂંટણી આવી શકે છે તેવી અટકળોએ રાજકીય મોરચે જોર પકડયું છે.
ડિસેમ્બર-૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ચતુષ્કોણિય જંગ જામ્યો હતો.જેમાં છ ટર્મથી ચૂંટાતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડયા હતા અને પરાજય થયો હતો.
આ ઉપરાંત ભાજપના સત્તાવાર ઉમેદવાર અશ્વિન પટેલ(કોયલી)તેમજ કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડનો પણ પરાજય થયો હતો.જ્યારે,અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિજેતા બન્યા હતા અને તેમણે ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો.
જો કે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થયા નથી.જેથી તેઓ રાજીનામું આપીને ભાજપમાંથી ફરીથી ચૂંટણી લડે તેવી અટકળો થઇ રહી છે.જો કે આ ચર્ચાને સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી અને ધારાસભ્યનો પણ સંપર્ક થઇ શક્યો નથી.