એક સપ્તાહમાં જ ત્રણના મોત હાર્ટ એટેકના વધતા કિસ્સા ઃ જિલ્લામાં એક જ દિવસમાં બે વ્યક્તિનાં મોત
ગુલાબપુરામાં ખેતરમાં કામ કરતા કરતા આધેડ ઢળી પડયો ઃ પાદરામાં ૨૭ વર્ષના યુવાનને એટેક આવ્યો અને મોત મળ્યું
વડોદરા, તા.8 હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં ગઇકાલે બે વ્યક્તિને છાતીમાં દુઃખાવો થયા બાદ અચાનક બંનેના મૃત્યુ થયા હતાં. એક સપ્તાહમાં એક નવયુવાન સહિત ત્રણ વ્યક્તિ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામી હોવાનું નોધાયું છે.
આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના ગુલાબપુરા ગામમાં રહેતા સુરેન્દ્રસિંહ વખતસિંહ પરમાર (ઉ.વ.૫૦) ગઇકાલે સવારે ગામની સીમમાં પોતાના ખેતરમાં ગયા હતાં અને ખેતી કામ કરતાં હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુઃખાવો થતાં ખેતરમાં કામ કરતા ઘરના અન્ય સભ્યો તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં સુરેન્દ્રસિંહનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. સુત્રોએ જણાવ્યું હતું કે તેમને કોઇ બીમારી ન હતી એટલું જ નહી પરંતુ તેમને કોરોના થયો ન હતો અને રસી પણ મૂકાવી ન હતી.
અન્ય બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશનો વતની શ્યામુ રામદિન કથેરીયા સાવલી તાલુકાના વાસણા કોતરીયા ગામની સીમમાં અસદ બ્રિક્સ ભઠ્ઠા પર પરિવારના સભ્યો સાથે કામ કરવા આવ્યો હતો અને ત્યાં જ રહેતો હતો. તેના પિતા રામદિન (ઉ.વ.૪૯) પણ બીમાર રહેતા હોવાથી તે પોતાની પાસે લઇ આવ્યો હતો. ગઇકાલે બપોરે તેના પિતાને અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થઇ જતા ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૫ વર્ષ પહેલાં તેઓ છત પરથી પડી જતાં બે પગે વિકલાંગ થઇ ગયા હતા અને બીમાર રહેતા હતા જેથી તેમનો પુત્ર સારવાર માટે વડોદરા લઇ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તા.૫ના રોજ સવારે પાદરા-તાજપુરારોડ પર અક્ષર હાઇટ્સમાં રહેતા ૨૭ વર્ષના ભાવિન જીતેશ સોલંકીને પણ છાતીમાં દુઃખાવો થતાં તેને સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું.