વડોદરા : પોસ્ટ વિભાગમાં રોકાણ વધારવા વ્યાજ દરમાં વધારો પરંતુ એજન્ટોના કમીશનમાં ઘટાડો થતાં હોબાળો
image : Freepik
વડોદરા,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર
પોસ્ટ ખાતાની આવક વધારવા માટે નાણા રોકાણની વિવિધ સ્કીમ માટે સરકારે વ્યાજમાં કેટલોક વધારો કર્યો છે પરંતુ કેટલીક સ્કીમો અંગે પોસ્ટના એજન્ટોને અપાતા કમિશનમાં હાલની મોંઘવારીને ધ્યાનમાં લીધા વિના કમિશનમાં વધારો કરવાના બદલે ઘટાડો કરતાં પોસ્ટના એજન્ટોને મરણતોલ ફટકો પડ્યો હોવાની બાબત ચર્ચાનો વિષય બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટ ખાતાની વિવિધ સ્કીમો અંગે એજન્ટો દ્વારા ગ્રાહકોના નાણા રોકાણ બાબતે વર્ષો અગાઉ બે ટકા જેવું કમિશન આપવામાં આવતું હતું. જેમાં સમયાંતરે ઘટાડો કરીને પોસ્ટ ખાતાના એજન્ટોને અપાતા કમિશનમાં ઘટાડો કરીને એક ટકો કરી દેવાયું હતું. આ દરમિયાન પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 40 હતો. જે હાલમાં પ્રતિ લીટર રૂપિયા 100 આસપાસ પહોંચ્યો છે. છતાં એજન્ટોનું કમિશન એક ટકાથી વધવાના બદલે ઘટાડીને અડધો ટકો કરી નાખવામાં આવ્યું છે. આમ મોંઘવારી વધતી હોય ત્યારે એજન્ટોનું કમિશન પણ મોંઘવારીના કારણે વધવું જોઈએ તેના બદલે સરકારે પોસ્ટ ખાતાના એજન્ટોનું કમિશન ઘટાડીને અડધો ટકો કરી નાખ્યું છે.
પોસ્ટ ખાતાના એજન્ટોમાં ગ્રાહકોના નાણાં રોકવા બાબતે અગાઉ રીતસરની હરીફાઈ ચાલતી હતી કારણ કે જિલ્લા ક્ષેત્રે એજન્ટો દ્વારા ગ્રાહકોના થતાં નાણાં રોકાણ અંગે પોસ્ટ ખાતાના એજન્ટોનું જિલ્લા કલેકટર દ્વારા જાહેર કાર્યક્રમ યોજીને સન્માન કરી ટ્રોફી પણ એનાયત કરવામાં આવતી હતી. એથી પોસ્ટના એજન્ટોમાં ગ્રાહકોને નાણાં રોકાણ અંગે પ્રોત્સાહિત કરવા સતત હોડ જામતી હતી. આ ઉપરાંત પોસ્ટ ખાતામાં ગ્રાહકોને નાણાં રોકવા માટે વધુ પ્રોત્સાહિત કરનારને કેટલુંક ઇન્સેન્ટિવ પણ આપીને પોસ્ટ ખાતાના એજન્ટોને પ્રોત્સાહિત કરાતા હતા પરંતુ સમયાંતરે આ બધી સિસ્ટમ બંધ થઈ ગઈ હતી અને એજન્ટોને મળતા કમિશનમાં પણ દિન પ્રતિદિન ઘટાડો થવા માંડ્યો છે.
પોસ્ટ ખાતા દ્વારા એજન્ટોને અપાતા કમિશનથી અનેક એજન્ટોના ઘર પણ આર્થિક રીતે ચાલતા હતા. પરંતુ કમિશન ઘટી જતા એજન્ટોને ઘરના બે છેડા ભેગા કરવા પણ હવે મુશ્કેલ બને છે પરિણામે કેટલાય એજન્ટોએ પોસ્ટ ખાતા સહિત અન્ય પણ કેટલાક વેપાર ધંધા તરફ વળ્યા છે.
જેમાં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન, વિવિધ ખાનગી કંપનીઓમાં નાણાં રોકાણ અંગે પણ ગ્રાહકોને એજન્ટો પ્રોત્સાહિત કરતા હોય છે કારણ કે ખાનગી કંપનીઓમાં ગ્રાહકોના નાણા રોકાણ અંગે એજન્ટોને પોસ્ટ ખાતા કરતા વધુ કમીશન મળતું હોય છે.
પોસ્ટ ખાતાની નેશનલ સેવિંગ સ્કીમમાં અને ટાઈમ ડિપોઝિટમાં નાણા રોકાણ અંગે મળતા કમિશનમાં પણ ઘટાડો કરીને અડધો ટકો કરી નાખવામાં આવ્યો છે. પોસ્ટ ખાતાની પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ખાતામાં એજન્ટોને અગાઉ એક ટકો કમિશન આપવામાં આવતું હતું જે ઘટાડીને હવે .50 પૈસા કરી નાખવામાં આવ્યું છે. જોકે એજન્ટો પબ્લિકને તમામ પ્રકારની સેવા આપવા તત્પર રહે છે પરંતુ પોસ્ટ ખાતા દ્વારા યોગ્ય પ્રમાણમાં વળતર મળતું નથી.
પોસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા નવા ગ્રાહકોના ખાતા ખોલવા બાબતે એજન્ટોને રૂબરૂ બોલાવીને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. છતાં પણ એજન્ટોએ ક્યારેય આ બાબતે આનાકાની પણ કરી નથી. આમ જ્યારે પોસ્ટ ખાતાની જુદી જુદી સ્કીમના વ્યાજમાં વધારો થતા કમિશનમાં પણ હાલની મોંઘવારી ધ્યાનમાં રાખીને વધારો કરવા પોસ્ટ ખાતાના એજન્ટમાં ચર્ચા જાગી છે.