Get The App

ગરમીને કારણે AC-કુલરનો વપરાશ વધતાં ઓવરલોડિંગ,શોર્ટસર્કિટ અને ટ્રાન્સફોર્મરમાં આગના સંખ્યાબંધ બનાવો

રવિવારે મોડીરાતે ફાયર બ્રિગેડને બે કલાકમાં ૭7કોલ્સ મળ્યા,શિયાળામાં આગના 188 બનાવ સામે ઉનાળામાં 296 બનાવ

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
ગરમીને કારણે AC-કુલરનો વપરાશ વધતાં ઓવરલોડિંગ,શોર્ટસર્કિટ અને ટ્રાન્સફોર્મરમાં આગના સંખ્યાબંધ બનાવો 1 - image

વડોદરાઃ ગરમીમાં ઇલેકટ્રિક ઉપકરણોના વપરાશમાં વધારો થવાને કારણે ઓવર લોડિંગને કારણે શોર્ટસર્કિટ થવાથી આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે બે જ કલાકમાં ફાયર  બ્રિગેડને શોર્ટસર્કિટના સાત કોલ્સ મળતાં દોડધામ મચી હતી.

કાળઝાળ ગરમીને કારણે એસી અને કુલરનો વપરાશ વધી રહ્યો છે.જેને કારણે વીજ પ્રવાહમાં અસાધારણ ફેરફાર થાય છે અને ઓવરલોડિંગને કારણે મકાનો,વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરમાં ધડાકા તેમજ આગ લાગવાના બનાવો બને છે.

સામાન્ય રીતે ગરમીનું પ્રમાણ માર્ચ-એપ્રિલ અને મે મહિનામાં વધુ રહેતું હોવાથી તેમજ રાત્રિના સમયે ઇલેકટ્રિક ઉપકરણોનો વપરાશ વધુ થતો હોવાથી આગ લાગવાના બનાવોની સંખ્યા રાત્રિના સમયે વધી જતી હોય છે.ફાયર બ્રિગેડને છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ માર્ચ અને એપ્રિલ મહિનામાં આગ લાગવાના કુલ ૨૯૬ કોલ્સ મળ્યા છે.જેમાં મોટાભાગના બનાવ શોર્ટસર્કિટના છે.જ્યારે શિયાળામાં જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં કોલ્સની કુલ સંખ્યા ૧૮૮ રહી છે.

ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ગઇકાલે રાતે શહેરના છાણી,ગોરવા, વારસીયા,અટલાદરા જેવા વિસ્તારોમાં વીજ વાયરોમાં ધડાકા તેમજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના માત્ર બે કલાકમાંજ ૭ કોલ્સ મળ્યા હતા.જેથી ફાયર બ્રિગેડની ટીમોની દોડધામ વધી ગઇ હતી અને વીજ કંપનીની ટીમને સાથે રાખી કામગીરી કરી હતી.

ક્યા વિસ્તારમાં કેવા પ્રકારના કોલ મળ્યા

વડોદરા ફાયર બ્રિગેડને તા.૨૮મીએ રાતે ઇલેકટ્રિક વાયરોમાં ધડાકા અને ટ્રાન્સફોર્મરમાં આગના બનાવોના મળેલા કોલ્સની માહિતી આ મુજબ છે.

વિસ્તાર                         સમય બનાવની વિગત

છાણી,સ્વામિનારાયણ ટેનામેન્ટ પાસે         11          ટ્રાન્સફોર્મરમાં આગ

આરવી દેસાઇ રોડ મયૂર એપાર્ટમેન્ટ      12.10   ટ્રાન્સફોર્મરમાં આગ

આજવારોડ,મહાકાળી સોસાયટી      12.12  ઇલેક્ટ્રિક વાયરમાં ધડાકા

ઠેકરનાથ સ્મશાન પાસે સુરુચિ પાર્ક       12.15 થાંભલા પર કેબલમાં આગ

વારસીયા,રાજધાની સોસાયટી     12.18        ઇલેકટ્રિક વાયરમાં આગ

અટલાદરા,હેલ્થ સેન્ટર પાસે     12.48       ઇલેકટ્રિક કેબલમાં આગ

ગોરવા,કૈલાસધામ સોસાયટી      12.50 ઇલેકટ્રિક કેબલ તૂટયો

ક્યા મહિનામાં આગના કેટલા બનાવ

વડોદરા ફાયર બ્રિગેડને ક્યા મહિનામાં આગના કેટલા કોલ્સ મળ્યા તેની માહિતી આ મુજબ છે.જૈમાં મોટાભાગના બનાવ શોર્ટસર્કિટને કારણે બન્યા છે.

મહિનો કોલ્સ

જાન્યુઆરી 96

ફેબુ્રઆરી 92

માર્ચ         156

એપ્રિલ(૨૯ સુધી) 146

શોર્ટસર્કિટના બનાવોથી બચવા વીજ કંપનીને ઇલેકટ્રિક ઉપકરણોની જાણ કરો

શોર્ટસર્કિટના  બનાવો ક્યારેક આખા પરિવાર માટે જીવલેણ બનતા હોય છે.વડોદરામાં રાત્રિના સમયે શોર્ટસર્કિટને કારણે બેડરૃમમાં આગ લાગી હોય અને આખું પરિવાર ફસાયંુ હોય તેવા અનેક બનાવો બન્યા છે.

ફાયર બ્રિગેડના પાણીગેટ સ્ટેશનના ઓફિસર અમિત ચૌધરીએ કહ્યું છે કે,જો આપણે સતર્કતા રાખીએ તો શોર્ટસર્કિટના બનાવથી બચી શકાય તેમ છે.જ્યારે મકાનમાં ઇલેકટ્રિક ફિટિંગ કરવામાં આવે છે ત્યારે જેટલા ઉપકરણો હોય છે તેમાં ઉત્તરોત્તર વધારો થતો હોય છે.પરંતુ વાયરિંગ બદલાતું નથી.

વીજ વપરાશ વધતો હોય તો વીજ કંપનીને જાણ કરવી જોઇએ.જેથી તેઓ લોડ મેનેજ કરી શકે.આ ઉપરાંત ઇલેક્ટ્રિક એન્જિનિયર પાસે પણ સમયાંતરે ઘરનું વાયરિંગ ચેક કરાવવું જોઇએ.


Google NewsGoogle News