ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સાથે ભેજાબાજે રીવોર્ડ પોઈન્ટ એનકેસ કરાવવાના બહાને 1.98 લાખ પડાવી લીધા
image : Freepik
- પૈસા ગુમાવનાર ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ
વડોદરા,તા.03 ફેબ્રુઆરી 2024,શનિવાર
રીવોર્ડ પોઇન્ટ એનકેસ કરવાના બહાને ડેબિટ કાર્ડની વિગતો લઈ ભેજાબાજ ગઠીયાએ 1.98 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.
બિહારના સરન જિલ્લામાં રહેતા રવિન્દ્રકુમારસિંહ ગણેશસિંહ હાલમાં રેસકોર્સ ચકલી સર્કલ સેન્ટ્રલ રેવન્યુ કોલોનીમાં રહે છે અને ઇન્કમટેક્સ વિભાગમાં ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત તા.07-10-2023 ના રોજ રાત્રે મારા મોબાઈલ પર એસએમએસ આવ્યો હતો કે ડિયર કસ્ટમર કાઈન્ડલી એનકેસ યોર રિવોર્ડ પોઇન્ટ ઓફ આઈએનઆર 4,599 અવેલેબલ ઓન એચડીએફસી ક્રેડિટ કાર્ડ વીચ ઈઝ એક્સપાયર બાય ટુડે. ક્લિક ફોર એનકેસ.
ત્યારબાદ એક લિંક આવી હતી જે લિંક પર મેં ક્લિક કરતા એચડીએફસી બેન્ક જેવું જ ખુલ્યું હતું. જેથી મને વિશ્વાસ આવતા તે લિંકમાં મારું નામ ક્રેડિટ કાર્ડ નંબર સીવીસી અપલોડ કર્યા હતા. ત્યારબાદ 49500 ચાર વખત ડેબિટ થયાનો મેસેજ મારા મોબાઈલ પર આવ્યો હતો. ત્યારબાદ મેં ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેરમાં ફોન કરીને મારું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધું હતું અને 1930 હેલ્પ નંબર પર અરજી આપી હતી.