બાયો વેસ્ટનો નિકાલ કરવા માટેનું ઈન્સિનરટેર ત્રણ વર્ષથી બંધ પડયુ છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બાયો વેસ્ટના નિકાલ માટેનુ ઈન્સિનરેટર છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
આ ઈન્સિનરેટરને લગભગ ૧૦ વર્ષ પહેલા વસાવવામાં આવ્યુ હતુ અને આ દરમિયાન છાશવારે તે કાર્યરત નહીં હોવાની ફરિયાદો ઉઠતી રહી છે.
યુનિવર્સિટીના બાયો કેમેસ્ટ્રી તેમજ માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા થતા પ્રેક્ટિકલના કારણે બાયો વેસ્ટ જનરેટ થતો હોય છે.અન્ય કચરાની જેમ તેનો નિકાલ કરી શકાતો નથી.જોકે ઈન્સિનરેટર આવ્યુ તે પહેલા બાયો વેસ્ટનો ભૂખી કાંસમાં નિકાલ કરતો હોવાની અથવા તો ખુલ્લામાં તે સળગાતો હોવાની ફરિયાદો પણ ઉ ઠી હતી.
જોકે કેન્દ્ર સરકારની ગ્રાંટમાંથી આ ઈન્સિનરેટર વસાવવામા આવ્યુ હતુ.છેલ્લા ત્રણ વર્ષથી આ મશિન બંધ છે.જ્યારે તેના સંચાલનની જવાબદારી એન્વાર્યમેન્ટ સાયન્સ વિભાગ પાસે હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.આટલા લાંબા સમયથી આ મશિન બંધ હોવા છતા તેને રિપેર કેમ નથી કરાવાતુ તે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
બીજી તરફ ફેકલ્ટીના સૂત્રોએ કહ્યુ હતુ કે, મશિન રિપેરિંગ માટે ટેન્ડર પણ મંગાવાયા હતા પણ વાત આગળ વધી નહોતી.હવે બાયો વેસ્ટના નિકાલ માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે.આમ બાયો વેસ્ટ ખુલ્લામાં ફેંકાતો હોવાની સમસ્યા નથી પણ ઈન્સિનરેટરનુ રિપેરિંગ કયારે કરાશે તેનો જવાબ કોઈ આપી શકે તેમ નથી.