વીજ વપરાશ વધતાં થાંભલા પર શોર્ટસર્કિટના સતત બનાવો,રાતે 4 કલાકમાં 8 બનાવઃલોકટાેળાં ઉમટતાં ઉત્તેજનાભર્યા દ્શ્યો
વડોદરાઃ રાત પડે વીજ પુરવઠો ખોરવાઇ જવાના સતત બનાવો બની રહ્યા હોવાથી વીજ કંપનીની કચેરીઓ પર રાતે ઉત્તેજનાભર્યા દ્શ્યો સર્જાતા હોય છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગરમીને કારણે વીજ ઉપકરણોના વપરાશમાં વધારો થતાં શોર્ટસર્કિટના બનાવો બનતા હોય છે.આ ઉપરાંત વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી રોષે ભરાયેલા લોકો નજીકની વીજ કંપનીની ઓફિસે પહોંચતા હોયછે.જેથી ઉત્તેજના સર્જાતી હોવાથી વીજ કંપનીના સ્ટાફ દ્વારા પોલીસની મદદ માંગવામાં આવતી હોય છે.
ગઇકાલે રાતે ચાર કલાકના ગાળામાં આજવારોડ રામપાર્ક,ગોરવાની અંકુરવાટિકા, નિઝામપુરાના નતાશા પાર્ક,પાણીગેટની પંચશીલ સોસાયટી,એકતા નગર,છાણી જકાતનાકાના તરૃણ નગર જેવા આઠેક સ્થળોએ વીજ થાંભલા પર ધડાકા સાથે આગ લાગવાના ફાયર બ્રિગેડને કોલ્સ મળ્યા હતા.
તો બીજીતરફ દિવસે પણ આગ લાગવાના બનાવો બની રહ્યા છે.આજે જામ્બવા પોલીસ ચોકી નજીક તેમજ ફતેગંજ કોન્વેન્ટ સ્કૂલ પાસે કારમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બન્યા હતા.જ્યારે મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશન પાસે કચરામાં આગના બે બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.