લોકોના જાનમાલની રક્ષા કરતી પોલીસ જ ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકાર,પોલીસ સ્ટેશનમાં જ વાહનોની સુરક્ષા નથી
વડોદરાઃ દોઢ વર્ષ પહેલાં જ જરોદ પોલીસ સ્ટેશન એક ભાડાના મકાનમાં શરૃ કરવામાં આવ્યું હતું અને તેમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે.જેને કારણે પોીલસે કબજે લીધેલા 14 ટુ્વ્હીલર,7કાર,5 રિક્ષા અને ટેમ્પો સહિત કુલ 27 વાહનો આજે આગમાં ખાક થઇ ગયા હતા.
જરોદના ગાયત્રી નગર વિસ્તારમાં એક હોસ્ટેલના બિલ્ડિંગમાં કેટલાક ભાગમાં પોલીસ સ્ટેશન શરૃ કરવામાં આવ્યું હતું.જ્યારે બાજુના ખાનગી પ્લોટમાં પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવેલા વાહનો મુકવામાં આવતા હતા.
આજે આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં સેફ્ટીના સાધનો જોવા મળ્યા નહતા.આગ ઝડપભેર ફેલાતાં આસપાસના મકાનોના રહીશો ગભરાઇને બહાર નીકળી ગયા હતા.આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
વડોદરાના પોલીસ સ્ટેશનોમાં વાહનોમાં આગના અડધો ડઝન બનાવો છતાં બેદરકારી
લોકોની જાનમાલની રક્ષા કરતી પોલીસ જ કબજે કરેલા વાહનોની સુરક્ષા કરી શકતી નથી
લોકોની જાનમાલની રક્ષા કરતી પોલીસ ખુદ પોલીસ સ્ટેશનમાં રાખેલા વાહનોની સુરક્ષા કરવામાં કાચી પડી રહી છે.
વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશનના વાહનોમાં આગ લાગવાનો બનાવ પહેલીવાર બન્યો નથી.અગાઉ પણ વડોદરા શહેરમાં છાણી,પાણીગેટ, કિશનવાડી, ગોરવા,ક્રાઇમ બ્રાન્ચ,પાદરા સહિતના પોલીસ સ્ટેશનોમાં વાહનોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા.
આ ઉપરાંત રાજ્યમાં બીજા પણ શહેરોમાં આવી રીતે કબજે કરેલા વાહનોમાં આગના બનાવો બન્યા છે.જેથી પોલીસની બેદરકારીને કારણે આવા બનાવો બનતા હોય તેમ જણાય છે.જો આ મુદ્દે સતર્કતા રાખવામાં આવે તો બનાવો અટકી શકે તેમ છે.