વડોદરામાં મહારાષ્ટ્રિય દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ સમાજના રાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ
'રાષ્ટ્ર અને સમાજના ઉત્થાન માટે બ્રાહ્મણ સમાજે હંમેશા પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે' : દેવેન્દ્ર ફડણવીસ
વડોદરા :શહેર નજીક કેલનપુર ખાતે દાદા ભગવાન ત્રિમંદિર ખાતે મહારાષ્ટ્રના દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ સમાજના રાષ્ટ્રીય સંમેલનનો આજથી પ્રારંભ થયો છે. બે દિવસીય આ સંમેલનમાં આજે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે ઉદ્ઘાટન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં દેશભરમાંથી દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ સમાજના ૫૦૦થી વધુ પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે 'પ્રાચીનકાળથી આઝાદીની લડાઇ સુધી જ્યારે જ્યારે જરૃર પડી છે ત્યારે ત્યારે રાષ્ટ્રના અને સમાજના ઉત્થાન માટે બ્રાહ્મણ સમાજે પોતાનું કર્તવ્ય નિભાવ્યુ છે. જેથી આપણે અભિમાનથી ઉભા રહેવાનું છે, દુરાભિમાનથી નહી. આપણે એક મોટી સંસ્કૃતિનો વારસો છીએ, તેનુ અભિમાન નિશ્ચિત હોવુ જોઇએ. આ અભિમાન અને આત્મવિશ્વાસ સાથે જો આપણે ઉભા રહ્યા તો આપણી અગામી પેઢી આપણા કરતા વધુ સારી રીતે આ દેશને આગળ વધારવામાં યોગદાન આપશે. તે માટે દેશભરના બ્રહ્મ સમાજોએ, સંગઠનોએ કામ કરવાની જરૃર છે. બ્રાહ્મણ માત્ર જન્મથી નથી થવાતુ કર્મ અને વિચારથી જે બ્રાહ્મણ છે તેનો જ બ્રાહ્મણ તરીકે જન્મ સફળ છે. જેમની વિચારધારા સર્વ સમાવિષ્ટ છે એટલે કે સમાજના દરેક વર્ગ અને સમાજને સાથે રાખીને ચાલે છે તે સાચો બ્રાહ્મણ છે' તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે દેશમા આપણે માંડ બે ટકા છીએ પરંતુ દૂધના એક ગ્લાસમાં બે ચમચી સાકર મેળવીએ તો દૂધ મીઠુ બની જાય તેમ બે ટકા બ્રાહ્મણોનું કામ બાકીના ૯૮ ટકા સમાજમાં ભળીને મીઠાશ ફેલાવાનું છે'
અખિલ દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ મધ્યવર્તી મંડળ મુંબઇના પ્રમુખ વિલાસ જોશી, કાર્યકારી પ્રમુખ પ્રભાકર કુલકર્ણીએ કહ્યું હતુ કે દેશસ્થ બ્રાહ્મણ સમાજનું આ સંમેલન માત્ર બ્રાહ્મણોના ઉત્થાન માટે નથી. દેશના તમામ વર્ગ અને સમાજનો વિચાર કરીને આ સંમેલનમાં વિચાર મંથન કરવામાં આવશે જ્યારે સંસ્થાના વડોદરાના પ્રમુખ નિતિન શાહપુરકરે કહ્યું હતું કે રવિવારે સંમેલનના છેલ્લા દિવસે યુવા ઉત્કર્ષ શિબિર યોજાશે જેમાં યુપીએસસી એક્ઝામમાં સફળતા કેમ મેળવવી તેનુ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે આ ઉપરાંત મહિલા સંમેલનનું પણ કાલે આયોજન કરાયુ છે.