દુમાડ અને દેણા ચોકડી ખાતે બનેલા બ્રિજનું આજે લોકાર્પણ
રૃા.૫૪ કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો ચોકડી પર ટ્રાફિકનું ભારણ ઘટશે
વડોદરા,કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તા.૨ને શુક્રવારે બપોરે ૧ કલાકે વડોદરા નજીક નેશનલ હાઇવે પર દુમાડ અને દેણા ચોકડી ખાતે અંદાજે રૃા.૫૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે, ત્યારબાદ દુમાડ જંકશન ખાતે જાહેરસભાને સંબોધન કરશે.
બંને બાજુ સર્વિસ રોડ સાથે તૈયાર થયેલા આ ૧૨ લેનના ફલાય ઓવર બ્રિજથી વર્ષો જુની ટ્રાફિક સમસ્યાનો તો અંત આવશે. અત્યાર સુધી દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઇવે નંબર ૮ અને એક્સપ્રેસ વે - આ તમામનો ટ્રાફિક ભેગો થતો હતો. જેના કારણે અહીં વાહનનોની લાંબી કતારો લાગતી હતી. એક વાહનચાલકકનો સરેરાશ ૩૫ મિનિટ જેટલો સમય પણ બગડતો હતો.
ફલાય ઓવરબ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો હાઇવે ક્રોસ કરી શકશે.
હવેથી માત્ર સાવલી કે વડોદરા શહેર આવતા-જતા વાહનચાલકો જ સર્વિસ રોડનો ઉપયોગ કરશે. જેના કારણે દેણા-દુમાડ ચોકડી પાસે ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંને ઘટશે. સપ્ટેમ્બર-૨૦૨૧માં ગડકરીના હસ્તે દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંકશનના સુધાર કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.