શિયાળામાં હવે ગ્રામ્યવિસ્તારો પશુ ચોરો માટે શોફ્ટ ટાર્ગેટ
જિલ્લામાં ઘરફોડ ચોરીની સાથે
ઉનાવામાં એક જ રાતમાં ચાર ભેંસની તસ્કરીઃટોળકી વાહન લઇને આવી હોવાની શંકાને પગલે તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે હવે શિયાળાની ઠંડીમાં ગ્રામ્યવિસ્તારમાં પશુ ચોર ટોળકીનો તરખાટ પણ શરૃ થયો છે ઉનાવા ગામમાં એક જ રાતમાં અલગ અલગ ત્રણ પશુપાલકોને ચારજેટલા પશુઓની ચોરી થવા પામી છે જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે ટોળકી વાહન લઇને આવી હોવાની શંકાને પગલે તપાસ આદરી છે.
ગાંધીનગર જિલ્લામાં શિયાળાની ઠંડી દરમ્યાન ઘરફોડ ચોરીના
બનાવો વધતા હોય છે અને હાલમાં પણ અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ચોરીની ઘટનાઓ
ધ્યાને આવી રહી છે ત્યારે હવે ગ્રામ્યવિસ્તારોમાં રાત્રીની સમયે પશુઓ ચોરી જતી
ટોળકીનો તરખાટ શરૃ થઇ ગયો છે. થોડા સમય પહેલા ચિલોડા પંથકમાં પશુપાલકોની ઉંઘ ઉડાડી
હતી ત્યારે હવે પેથાપુર પંથકમાં ટોળકીએ દેખા દેતા પશુપાલકો ચિંતામાં મુકાઇ ગયા છે.
જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા ઉનાવા ગામે રહેતા અને પશુપાલનનો
વ્યવસાય કરતા કાળાજી ચંદુજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, ગત બુધવારની
રાત્રે તેઓ ખેતરથી પરત ફર્યા અને ગઇકાલે સવારે તેઓ ખેતરમાં પહોંચ્યા ત્યારે તેમના
ખેતરમાં રહેલી બે ભેંસ જણાઇ ન હતી જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરતા બાજુના
ખેતરમાં શિવાજી બાદરજી ડાભીની બે ભેંસ તેમજ વિક્રમસિંહ રજુજી ડાભીની એક ભેંસ પણ
ચોરાઇ હતી. જેથી આ સંદર્ભે તુરંત જ પેથાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને ૧.૨૦
લાખના પશુઓની ચોરી સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગ્રામ્યવિસ્તારમાં
રાત્રીના સમયે આ ટોળકી વાહનલઇને આવતી હોવાની શંકાને આધારે પોલીસે વધુ તપાસ શરૃ કરી
છે.