વડોદરામાં એવુ તો શું થયુ કે સ્થાપના પહેલા જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવુ પડ્યું.......

દિવાળીપુરા, કોર્ટના ગેટ પાસે ખાડાઓના કારણે ગોત્રી અયોધ્યાનગરના ગણપતિની પ્રતિમા રોડ પર પટકાતા ખંડિત

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
વડોદરામાં એવુ તો શું થયુ કે સ્થાપના પહેલા જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવુ પડ્યું....... 1 - image


વડોદરા : શહેરમાં ધામધૂમથી ગણેશમહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. છેલ્લા એક સપ્તાહથી શ્રીજીની આગમન સવારીઓનો ધમધમાટ ચાલુ છે. ત્યારે આજે ગોત્રી અયોધ્યાનગરના શ્રીજીની આગમન સવારી આવી રહી હતી ત્યારે દિવાળીપુરા કોર્ટ પાસે રોડ ઉપરના ખાડાઓમાં ટ્રોલીનું વ્હિલ પટકાતા શ્રીજીની પ્રતિમા પણ જમીન ઉપર પટકાઇ હતી અને ખંડીત થતાં યુવક મંડળમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

રોડ ઉપર ખાડામાં ટ્રોલીનું વ્હિલ પટકાતા જ પ્રતિમાનું બેલેન્સ બગડયુ, સનાતન ધર્મનો ઝંડો લઇને ફરતા તંત્ર સામે ભક્તો અને યુવક મંડળમાં રોષ


પરંપરા મુજબ કેટલા યુવક મંડળો મહોત્સવના પ્રારંભ પહેલા જ પ્રતિમાને પંડાલમાં લાવી દે છે અને પછી ડેકોરેશન કરે છે. જ્યારે કેટલાક મંડળો પ્રથમ દિવસે જ શ્રીજીની સ્થાપના કરે છે. છેલ્લા ચાર દિવસથી શ્રીજીની આગમન સવારીઓમાં એક સર્વસામાન્ય અને ગંભીર ફરિયાદો ઉઠી રહી છે કે રસ્તાઓ ઉપર ખાડાના કારણે ઘણા સ્થળોએ પ્રતિમાને નુકસાન થયુ છે અથવા તો પ્રતિમાને નિયત સ્થાન સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં સનાતન ધર્મનો ઝંડો લઇને ફરતા તંત્રને કરોડો હિન્દુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તેવા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને ખાડાઓ પુરવાનું સુઝ્યુ નથી. જેના કારણે આજે દુર્ઘટના સર્જાઇ હતી.

વડોદરામાં એવુ તો શું થયુ કે સ્થાપના પહેલા જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવુ પડ્યું....... 2 - image

ગોત્રીના અયોધ્યાનગર યુવક મંડળ દ્વારા પાદરા ખાતે શ્રીજીની પ્રતિમા તૈયાર કરાવવામાં આવી હતી. આજે બપોરે પાદરાથી પ્રતિમાને ગોત્રી લાવવામાં આવી રહી હતી ત્યારે યુવક મંડળમાં ભારે ઉત્સાહ અને ઉમંગ હતો. પ્રતિમાને લોખંડની ટ્રોલી ઉપર રાખવામાં આવી હતી અને સવારી ધામધૂમથી આગળ વધી રહી હતી. લગભગ ૩૦ કિ.મી.નું અંતર કાપી લીધુ હતુ અને હવે માત્ર ૫ કિ.મી.નું અંતર બાકી હતુ ત્યારે જ દિવાળીપુરા નવી કોર્ટ બિલ્ડિંગના ગેટ નં. ૨ પાસે રોડ ઉપરના ખાડામાં ટ્રોલીનું વ્હિલ પટકાયુ હતુ જેના કારણે ટ્રોલી એક તરફ નમી જતાં શ્રીજીની પ્રતિમાં પણ નમી ગઇ હતી જેના કારણે યુવક મંડળમાં દોડધામ મચી ગઇ હતી ખુબ પ્રયત્ન કર્યો છતાં પ્રતિમા રોડ ઉપર પટકાઇ હતી અને પ્રતિમાનો જમણી તરફનો ભાગ ખંડિત થયો હતો આ દ્રશ્ય જોઇને યુવક મંડળના સભ્યો રડવા લાગ્યા હતા અને તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ સમયે રસ્તા ઉપરથી  પસાર થતા વાહનચાલકો પણ રોકાઇ ગયા હતા અને તંત્ર સામે ઉગ્ર આક્રોશ પ્રગટ કરવા લાગતા પરિસ્થિતિ વણસી ગઇ હતી અને પોલીસે આવીને સ્થિતિ કાબુમાં લેવી પડી હતી.

તંત્રના પાપે શ્રીજીની સ્થાપના પહેલા જ ભારે દુઃખ સાથે વિસર્જન કરવુ પડયું

'કોર્પોરેશનને ખબર છે કે ગણેશોત્સવ શરૃ થવાનો છે તો રોડ રસ્તાની હાલત ઠીક કરી લેવાની જરૃર હતી. હવે બોગસ કારણો બતાવે છે કે ચોમાસામાં રોડ રિપેર ના થાય. પણ અમારો સવાલ છે કે એવો તે કેવો ડામર વાપરો છે કે દર બે ત્રણ મહિને ગાબડા પડી જાય છે.' આ આક્રોશ અયોધ્યાનગર યુવક મંડળના સભ્યોનો છે.

ખંડિત પ્રતિમાને નવલખી કૃત્રિમ તળાવમાં યુવક મંડળે વિર્સજન કરીને તાબડતોબ નવી મૂર્તિ લાવ્યા


યુવક મંડળ કહે છે કે 'દર વર્ષે નવરાત્રી વખતે રસ્તાઓ ઉપર પેચવર્ક કરી દેવામાં આવે છે કેમ કે ગરબા સંચાલકો શાષકોને ખીસ્સા ભરી દે છે. ગણેશોત્સવ માટે કોઇ દરકાર નથી. આજે અમારે શ્રીજીની સ્થાપના પહેલા જ દુઃખ સાથે વિસર્જન કરવુ પડયું. પંડાલથી પાંચ કિ.મી. દૂર હતા અને ખાડાના કારણે પ્રતિમા રોડ ઉપર પટકાતા ખંડિત થઇ ગઇ એટલે તુરંત નવલખીમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી દેવાયુ અને પછી તાબડતોબ અમે નવી મૂર્તિ લાવીને મંડળમાં સ્થાપી છે.



Google NewsGoogle News