વડોદરામાં જમીનના પ્રીમિયમ પેટે વર્ષ ૨૦૨૩માં રૃા.૨૯૨.૭૬ કરોડ વસૂલ્યા

જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા તેમજ ઔદ્યોગિક હેતુ માટે કરોડો રૃપિયાનું વસૂલાતું પ્રીમિયમ

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
વડોદરામાં જમીનના પ્રીમિયમ પેટે વર્ષ ૨૦૨૩માં  રૃા.૨૯૨.૭૬ કરોડ વસૂલ્યા 1 - image

વડોદરા, તા.26 વડોદરા કલેક્ટર કચેરી દ્વારા ખેતીની જમીનને શરતફેર કરવા માટેની અરજીઓની સંખ્યામાં દર વર્ષે સતત વધારો થઇ રહ્યો છે આ સાથે જ પ્રીમિયમ પેટે વસૂલ કરવાની રકમમાં પણ ઉછાળો આવી રહ્યો છે. વર્ષ-૨૦૨૩ના અંત સુધીમાં કુલ રૃા.૨૯૨.૭૬ કરોડ પ્રીમિયમ પેટે રકમ વસૂલવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે મહેસુલને લગતી વિવિધ પ્રકારની મંજૂરી આપવાની પ્રક્રિયાની કામગીરી ઓનલાઇન સૌપ્રથમ અમદાવાદ, ગાંધીનગર બાદ વડોદરામાં શરૃ થઇ હતી અને આ કામગીરીમાં ૧૧ પ્રકારની અરજીઓ હવે ઓનલાઇન સ્વીકારવામાં આવી રહી છે અને તેના આધારે જ રેકર્ડની ચકાસણી તેમજ સોગંદનામા મુજબ અરજીઓને મંજૂરી આપવામાં આવતી હતી. આ ઓનલાઇન પ્રક્રિયામાં  જમીન એનએ કરવા માટે વિવિધ પ્રકારની અરજીઓનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ-૨૦૧૮થી શરૃ થયેલી ઓનલાઇન પ્રક્રિયા બાદ જમીનોને શરતફેર કરવાની કામગીરીમાં નિર્ણયો લેવામાં ઝડપ આવી છે આ સાથે જ હકારાત્મક અરજીઓમાં સરકારી તિજોરીમાં પ્રીમિયમ પેટે મોટી રકમ જમા થઇ છે. નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા તેમજ ઔદ્યોગિક હેતુમાં જમીનને ફેરવવા માટે આવેલી અરજીઓનો નિકાલ હવે ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. 

વર્ષ ૨૦૨૩ દરમિયાન વડોદરા જિલ્લામાં ડિસેમ્બર મહિના સુધીમાં પ્રીમિયમ માટેની ૧૩૬૮ અરજીઓને ઓનલાઇન મંજૂરી આપવામાં આવી હતી જેના પગલે સરકારી તિજોરીને કુલ રૃા.૨૯૨.૭૬ કરોડથી વધુ રકમની માતબર આવક થઇ હતી. ઓનલાઇન પ્રીમિયમની ૯૦ ટકા અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. 

રાજ્યમાં પ્રથમ અરજી વડોદરામાં સ્વીકારાઇ હતી

મહેસુલી સેવાઓના ડિજિટલિકરણની એક આગવી પહેલના ભાગરૃપે રાજ્ય સરકારે ડિસેમ્બર-૨૦૧૮માં વડોદરા ઉપરાંત સુરત, ભરૃચ, રાજકોટ અને ગાંધીનગર જિલ્લાઓમાં જમીન વિષયક પ્રીમિયમની પ્રક્રિયા ઓનલાઇન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૃ કર્યો હતો જેના હેઠળ રાજ્યમાં સહુથી પહેલા ઓનલાઇન પ્રીમિયમ માટે વડોદરા જિલ્લાના અરજદારની અરજી સ્વીકારાઇ હતી અને એ અરજી ગ્રીન ચેનલમાં લઇને મંજૂર કરવામાં આવી હતી. આ અરજી હેઠળ અરજદાર દ્વારા પ્રીમિયમ પણ ઓનલાઇન ભરવામાં આવ્યું હતુ અને મંજૂરીનો હુકમ પણ અપાયો હતો. વડોદરા જિલ્લાનો ઓનલાઇન પ્રીમિયમનો પાયલોટ પ્રોજેક્ટ રાજ્યમાં મોડલ તરીકે સ્વીકૃતિ પામ્યો હતો.

એનએ માટે ૩૦ ટકા અને ખેતીના હેતુ માટે ૨૦ ટકા પ્રીમિયમની વસૂલાત

ખેતીની જમીનને બિનખેતીમાં વિવિધ હેતુ માટે ફેરવવા માટે સરકાર દ્વારા પ્રીમિયમના દર વસૂલવા રકમ નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત તા.૧૫ એપ્રિલ પહેલા જૂની શરતની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે ૪૦ ટકા તેમજ નવી શરતની ખેતીની જમીન જૂની શરતમાં ફેરવવા માટે ૨૫ ટકા પ્રીમિયમની રકમ વસૂલવામાં આવતી હતી જ્યારે તા.૧૫ એપ્રિલ બાદ ડબલ  જંત્રીની જાહેરાત બાદ બિનખેતી માટે જંત્રીના દરના ૩૦ ટકા તેમજ ખેતીના હેતુ માટે જંત્રીના દરના ૨૦ ટકા રકમ વસૂલવામાં આવતી હોય છે.


Google NewsGoogle News