વડોદરામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ઃ બે ઇંચ પડેલો વરસાદ
રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાઇ ગયા ઃ જિલ્લામાં પણ નોધાયેલો વરસાદ
વડોદરા તા.19 વડોદરા શહેર અને જિલ્લામાં મેઘો આજે મન મૂકીને વરસ્યો હતો. વડોદરા શહેરમાં સવારે અને બપોરે તેમજ સાંજે વરસાદી ઝાપટાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. શહેરને અલકાપુરી વિસ્તાર સાથે જોડતા રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાઇ ગયા હતાં.
હવામાનખાતાની આગાહી મુજબ આજે શહેર અને જિલ્લામાં વરસાદ પડયો હતો. વડોદરા શહેરમાં સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો અને સવારે ૧૦ વાગ્યાથી શરૃ થયેલો વરસાદ બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. બાદમાં બપોરે ચાર વાગ્યા પછી વરસાદ વરસ્યો હતો અને સાંજે છ વાગ્યા બાદ પણ વરસાદી ઝાપટા પડયા હતાં. વડોદરા શહેરમાં આજે બે ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં તાપમાનનો પારો ૦.૯ ગગડીને મહત્તમ ૨૯.૫ ડીગ્રી નોંધાયો હતો જ્યારે ન્યૂનત્તમ પારો ૦.૨ વધીને ૨૪.૮ ડીગ્રી નોંધાયો હતો. સવારે અને સાંજે હવામાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. આગામી બે દિવસ સુધી હજી પણ ભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં સતત વરસાદી ઝાપટાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં.