Get The App

વડોદરામાં પેલેસના ગરબામાં બુકિંગ કરાવ્યું છતાં પાસ નહીં મળતા ખેલૈયાઓનો હોબાળો

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પેલેસના ગરબામાં બુકિંગ કરાવ્યું છતાં પાસ નહીં મળતા ખેલૈયાઓનો હોબાળો 1 - image
ગરબાની પ્રતિકાત્મક તસવીર

Navratri 2024 : લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે જ અવ્યવસ્થા અને આંધાધૂંધીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક ખેલૈયાઓએ ઓનલાઇન બુક કરાવ્યા હોવા છતં સમયસર પાસ મળ્યા નહતા તો કેટલાક ખેલૈયાઓને પૈસા પરત થઇ ગયા હતા જેના કારણે તેઓ પાસથી વંચિત રહેતા ગરબા રમી શક્યા નહતા. આ સ્થિતિના કારણે ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ અને આયોજકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતું.

હેરિટેજ ગરબાના મેલ અને ફિમેલ પાસે માટે ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં વડોદરાના ખેલૈયાઓએ બુકિંગ કરાવ્યુ હતું પરંતુ નવરાત્રિના આગલા દિવસે એવા અનેક ખેલૈયાઓ હતા જેમને બુકિંગ એમાઉન્ટ (પાસ માટે ઓનલાઇન ભરેલા પૈસા) એકાઉન્ટમાં કોઇ પણ કારણ વગર પરત આવી ગયા હતા. છેલ્લી ઘડીએ બુકિંગ રદ થતાં આ ખેલૈયાઓ અટવાયા હતા કેમ કે છેલ્લી ઘડીએ અન્ય કોઇ ગરબામાં પણ પાસ મળતા નથી.

અન્ય કેટલાક ખેલૈયાઓની ફરિયાદ એવી હતી કે હેરિટેજ ગરબામાં પ્લેયર્સ પાસ માટે ઓનલાઇન બુકિંગ વખતે એક સમયે એક જ ખેલૈયાનો પાસ બુક થતો હતો. પ્રત્યેક પાસ માટે 80 રૂપિયા કુરિયર ચાર્જ વસુલવામાં આવ્યો છે. ઘરમાં ચાર સભ્યોના પાસ બુક કરાવીએ તો ચાર વખત બુકિંગ કરાવુ પડે અને દરેક પાસ માટે 80 રૂપિયા એટલે એક જ એડ્રેસ ઉપર ચાર પાસ આવવાના હોવા છતાં ચાર પાસનો અલગ અલગ કુરિયર ચાર્જ વસુલવામાં આવ્યો છે.  આવી ફરિયાદો સાથે ગુરૃવારે પ્રથમ નોરતે જ્યારે ખેલૈયાઓ મેદાન ઉપર પહોંચ્યા ત્યારે તેની ફરિયાદ સાંભળનાર કોઇ હતુ નહી એટલે ભારે રોષ જોવામાં આવતો હતો. પાર્કિંગમાં પણ અવ્યવસ્થાના કારણે ખેલૈયાઓ અકળાયા હતા.


Google NewsGoogle News