વડોદરા જિલ્લામાં 15 ટકા વરસાદમાં 33 ટકા વાવેતરઃ કપાસ અને ડાંગર બાદ સોયાબીનમાં ખેડૂતોની રૃચિ વધી
વડોદરા જિલ્લામાં વરસાદની શરૃઆત સાથે ખેતીમાં વાવણીની શરૃઆત થઇ ગઇ છે.જિલ્લામાં સૌથી વધુ કપાસમાં વાવેતર કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં ૩૩ ટકા જેટલું વાવેતર કરી દેવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં પહેલા રાઉન્ડમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વિવિધ પાકોમાં વાવેતર કરવા માંડયું છે.પ્રાથમિક વિગતો મુજબ અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ ૧૫ ટકા જેટલો વરસાદ થઇ ગયો છે અને હવે સાર્વત્રિક વરસાદની આગાહી હોવાથી ખેડૂતોએ તૈયારી કરી લીધી છે.
વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગને જુદા જુદા તાલુકાઓમાં થયેલા વાવેતરની પ્રાથમિક માહિતી મળી છે.જે જોતાં જિલ્લામાં કુલ ૨.૪૪ લાખ હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે અને તેમાંથી ૮૧હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલેકે ૩૩ ટકા વિસ્તારમાં જુદાજુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
જિલ્લામાં સૌથી વધુ વાવેતર કપાસના પાકમાં ૬૦ હજાર થી વધુ હેક્ટરમાં કરવામાં આવ્યું છે.જ્યારે,શાકબાજીમાં ૭૨૦૪ હેક્ટર અને ઘાસચારામાં ૬૯૯૩ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.સોયાબીનના પાકમાં પણ ખેડૂતોની રૃચી વધી છે અને ૪૦૪૮ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરી દીધું છે.હજી તેમાં વધારો થશે.ગયા વખતે વરસાદના પહેલા તબક્કામાં સોયાબીનનું વાવેતર જેટલું હતું તેનાથી ત્રણ ગણું વાવેતર કરવામાં આવ્યું છે.
જો કે ડાંગના પાકમાં હજી જોઇએ તેવું વાવેતર શરૃ કરાયું નથી.ખેડૂતો હજી રાહ જોઇ રહ્યા છે.જ્યારે તુવેર અને અન્ય કેળ સહિતના પાકોમાં વાવણી શરૃ કરવામાં આવી છે.
વડોદરાના તાલુકા દીઠ ક્યા પાકનું કેટલું વાવેતર થયું
વડોદરા જિલ્લામાં તાલુકા પ્રમાણે ક્યા મુખ્ય પાકનું હેક્ટર દીઠ કેટલું વાવેતર થયું છે તેની વિગતો આ મુજબ છે.
તાલુકો કુલ વિસ્તાર(હેક્ટર) ડાંગર તુવેર સોયાબીન કપાસ શાકભાજી ઘાસચારો કુલ(અન્ય પાકો સહિત)
ડભોઇ ૪૫૮૭૬ - ૬૬ ૧૧૨૮ ૧૩૮૬૧ ૬૫૨ ૧૨૫ ૧૫૮૩૨
કરજણ ૩૯૦૨૮ ૮ ૨૦૮ ૫૯ ૧૮૪૯૦ ૧૦૩૪ ૧૧૪૪ ૨૧૦૧૧
પાદરા ૩૬૦૩૮ ૪ ૮ - ૬૨૧૪ ૨૮૮૦ ૨૬૮૩ ૧૧૭૮૯
સાવલી ૩૨૦૨૩ ૯૦ ૪૨૭ ૧૨૧૯ ૫૬૯૦ ૮૬૧ ૧૦૪૫ ૯૩૮૫
વાઘોડિયા ૩૧૨૩૩ - ૪૦ ૯૫૧ ૨૧૩૬ ૪૫૮ ૨૧૧ ૩૮૧૧
વડોદરા ૨૭૯૧૭ ૫૬ ૨૩૦ ૮ ૨૪૪૨ ૮૨૪ ૧૨૯૨ ૪૮૫૨
શિનોર ૧૮૬૬૮ - ૨૫૧ ૭૯ ૮૯૩૫ ૨૯૨ ૨૫૧ ૯૮૬૬
ડેસર ૧૩૭૭૮ - ૯૬૪ ૬૦૪ ૨૫૪૯ ૨૦૩ ૨૪૨ ૪૫૮૩
કુલ ૨૪૪૫૬૧ ૧૫૮ ૨૧૯૪ ૪૦૪૮ ૬૦૩૧૭ ૭૨૦૪ ૬૯૯૩ ૮૧૧૨૯