વડોદરામાં જેટકોનો 66 કેવીનો કેબલ કપાતા એક લાખ જોડાણોનો વીજ સપ્લાય કલાકો સુધી બંધ

Updated: May 19th, 2024


Google NewsGoogle News
વડોદરામાં જેટકોનો 66 કેવીનો કેબલ કપાતા એક લાખ જોડાણોનો વીજ સપ્લાય કલાકો સુધી બંધ 1 - image


Power Supply: મધ્ય ગુજરાત વીજ કંપની સ્માર્ટ વીજ મીટરના વિરોધનો તો સામનો કરી જ રહી છે ત્યારે શનિવારે શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં લગભગ એક લાખ ઘરો અને દુકાનોમાં કલાકો સુધી વીજળી ગુલ થવાના કારણે વીજ કંપની માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મળતી વિગતો પ્રમાણે સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન)ના સબ સ્ટેશનોમાંથી મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ સબ ડિવિઝનોના ફીડરોમાં વીજ પ્રવાહ પહોંચાડવામાં આવે છે અને આ ફીડરો થકી લોકોના ઘરો, ઓફિસો અને દુકાનોમાં વીજ પ્રવાહ પહોંચે છે.

શનિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ  જેટકોના કારેલીબાગ સબ સ્ટેશનમાં વીજ પ્રવાહ પહોંચાડતો ૬૬ કેવીનો અન્ડરગ્રાઉન્ડ કેબલ ન્યૂ વીઆઈપી રોડ પરના ખોડિયારનગર પાસેના ખોદકામ દરમિયાન કપાઈ ગયો હતો.આ કેબલ કપાવાથી  કારેલીબાગ સબ સ્ટેશનની એક સર્કીટ કામ કરતી બંધ થઈ ગઈ હતી.જેના કારણે આ સબ સ્ટેશનમાંથી વીજ  પ્રવાહ મેળવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના આઠ જેટલા સબ ડિવિઝનો સરદાર એસ્ટેટ પાણીગેટ, ઈન્દ્રપુરી, ફતેગંજ, ખોડિયારનગર, માંડવી, કારેલીબાગ  અને રાવપુરાના ૨૨ જેટલા ફીડરો પરના એક લાખ જેટલા જોડાણોનો વીજ પ્રવાહ બંધ થયો હતો. ૪૩.૨ ડિગ્રી ગરમીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી વીજ પ્રવાહ બંધ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

જેટકોના સૂત્રોએ કહ્યુ હતુ કે, માત્ર એક જ સર્કીટ કાર્યરત હોવાથી લોડ શેડિંગ કરવાનો વારો આવ્યો હતો અને જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પ્રવાહ ચાલુ બંધ થતો રહ્યો હતો.રાત્રે બે વાગ્યા સુધી આ જ પ્રકારની સ્થિતિ રહી હતી.એ પછી તમામ ૨૨ ફીડરો પર વીજ પ્રવાહ પૂર્વવત થયો હતો.કલાકો સુધી વીજળી ખોરવાઈ હોવાથી શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ જોવા મળી હતી અને ચામડી દઝાડે તેવી ગરમીમાં લોકોએ રાહત મેળવવા માટે પોતાની દુકાનો અને ઘરોની બહાર નીકળીને બેસવુ પડયુ હતુ.લોકોના રોષના કારણે જેટકોના  અધિકારીઓને સમારકામની કામગીરી માટે પોલીસ રક્ષણ પણ માંગવાની ફરજ પડી હતી.

વીજળી ગુલ થતા મોડી રાત્રે વીજ કચેરીઓ પર લોકોના ટોળા

વીજ કર્મચારીઓ ફોન સાઈડ પર મુકી દેતા હોવાની મોટાભાગના લોકોની ફરિયાદો ગરમીમાં  વીજળી ગુલ થયા બાદ રાવપુરા સબ ડિવિઝન સહિતની વીજ કચેરીઓ પર રાત્રે લોકોના ટોળા રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા.લોકોનુ કહેવુ હતુ કે ,વીજ કંપનીના કર્મચારીઓ જ્યારે પણ વીજળી જાય ત્યારે ફોન ઉઠાવવાની જગ્યાએ બાજૂ પર મુકી દે છે.એક વ્યક્તિએ કહ્યુ હતુ કે, મેં ૧૪ વખત ફોન કર્યા છે અને એક પણ ફોનનો જવાબ નહીં મળતા આખરે મારે વીજ કંપનીની કચેરી પર રજૂઆત કરવા માટે આવવુ પડયુ છે.વીજ બિલ બાકી હોય તો વીજ કંપની જોડાણ કાપવામાં વાર નથી લગાડતી તો પછી ગ્રાહકોને  યોગ્ય જવાબ આપવાની અને સર્વિસ આપવાની પણ તેમની ફરજ છે.

આખી રાત અને બપોર સુધી કેબલ જોડવાની કામગીરી 

કેબલ કપાયો હોવાની જાણકારી મળ્યા બાદ જેટકોના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.મળતી વિગતો પ્રમાણે ગઈકાલે સાંજથી શરુ થયેલી સમારકામની કામગીરી આજે બપોર સુધી ચાલુ રહી હતી.લોકોના રોષના કારણે સમારકામમાં વિલંબ થયો હતો.આજે સવારે પણ સેંકડો કર્મચારીઓને કેબલ જોડવા માટે કામે લગાડવામાં આવ્યા હતા.


Google NewsGoogle News