વડોદરામાં પતંગ દોરીથી ઘાયલ ૪૫૮ પક્ષીઓને સારવાર આપી જીવ બચાવ્યો
પશુપાલન, વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે ૧૧ સારવાર કેન્દ્રો અને ૫૮ જેટલા રેસ્ક્યું કેન્દ્રો ઉભા કરાયા હતા
વડોદરા તા. 15 જાન્યુઆરી 2024, સોમવાર
ઉત્તરાયણ દરમિયાન વડોદરા શહેર જિલ્લામાં ઉતરાયણ નિમિત્તે ઘણા અબોલ પક્ષીઓ પતંગ-દોરીથી ઘાયલ થાય છે.જેને ધ્યાને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ૧૯૬૨ એમ્બ્યુલન્સ વાન અને ફરતા પશુ દવાખાના દ્વારા કરુણા અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ વડોદરા શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્યના પશુ પાલન, વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે ૧૧ સારવાર કેન્દ્રો અને ૫૮ જેટલા રેસ્ક્યું કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા.
ઉતરાયણના દિવસે વડોદરા શહેર જિલ્લામાં પતંગ દોરીથી ઘાયલ થયેલ ૪૫૮ જેટલા પક્ષીઓને સારવાર કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી હોવાનું ભૂતડી ઝાંપા સ્થિત સારવાર કેન્દ્રના ડો.વિમલ પટેલે જણાવ્યું હતું.
ડો.પટેલે ઉમેર્યું કે ઘાયલ પક્ષીઓની સારવાર માટે ૨૧ વેટરનરી ડોક્ટર સહિત વેટરનરી કોલેજના ૧૫ જેટલા ઇન્ટર્નશીપ ડોક્ટર તૈનાત કરવામાં આવ્યા હતા.
ઉત્તરાયણ નિમિત્તે ધારદાર દોરીના કારણે ઘણા પક્ષીઓ ઘાયલ થતાં હોય છે જેમાં ખાસ કરીને કબૂતર, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓની સંખ્યા વધુ હોય છે.
જિલ્લાના સારવાર કેન્દ્રોમાં કબૂતર ૩૯૩, મોટો સફેદ બગલો પાંચ,પોપટ ચાર,સમડી પાંચ, કાકણસાર ૧૨, ઘુવડ ત્રણ,કાગડા સાત, ટિટોળી ત્રણ,સફેદ કબૂતર ત્રણ,અને અન્ય ૧૪ ઘાયલ પક્ષીઓ સહિત કુલ ૪૫૮ પક્ષીઓની નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરી અબોલ પક્ષીઓનો જીવ બચવામાં આવ્યા હતા.