વડોદરામાં 40 વિદ્યાર્થીઓને રાઈટર સાથે બોર્ડ પરીક્ષા આપવાની મંજૂરી અપાઈ

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
વડોદરામાં 40 વિદ્યાર્થીઓને રાઈટર સાથે બોર્ડ પરીક્ષા આપવાની મંજૂરી અપાઈ 1 - image

વડોદરા,તા.8 માર્ચ 2024,શુક્રવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તા.11 માર્ચથી શરૂ થનારી પરીક્ષા માટે વડોદરામાં અત્યાર સુધીમાં 40 વિદ્યાર્થીઓને રાઈટરની સુવિધા આપવામાં આવી છે.

 આ 40 વિદ્યાર્થીઓમાં ધો.10ના 21 અને ધો.12ના 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પૈકી 24 વિદ્યાર્થીઓ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ચાલતી બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ઉપરાંત ડીઈઓ કચેરી દ્વારા બીજા 16 વિદ્યાર્થીઓને પણ અલગ અલગ કારણસર રાઈટરની સુવિધા માટે મંજૂરી આપવામાં આવી છે.

 કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે વિદ્યાર્થી કોઈ પણ કારણસર જાતે જવાબો લખવા સક્ષમ ના હોય તેવા કિસ્સામાં તેને રાઈટરની સુવિધા અપાય છે. જેમાં સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર મહત્વનુ હોય છે. રાઈટરની સુવિધા માટે આ પ્રમાણપત્ર અને બીજા દસ્તાવેજો સાથે સ્કૂલ થકી અમારી પાસે અરજીઓ આવતી હોય છે. જેમાં અત્યાર સુધી 40 વિદ્યાર્થીઓને રાઈટર સાથે પરીક્ષા આપવા પરવાનગી અપાઈ છે અને પરીક્ષા પહેલાના છેલ્લા બે દિવસ દરમિયાન આ આંકડો હજી પણ વધી શકે છે.

બોર્ડ પરીક્ષા આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે પણ હજી રાઈટરની સુવિધા માટે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ થકી એપ્લાય કરી રહ્યા છે. જેમાં ઓછુ જોઈ શકતા, અકસ્માતના કારણે જાતે લખી ના શકે નહીં તેવી સ્થિતિમાં મુકાયેલા કે પછી જન્મજાત અથવા બીજા કોઈ કારણસર કાયમ માટે દિવ્યાંગ થઈ ગયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાઈટરની અરજીઓને મંજૂરી આપવા માટે અને પરીક્ષા લક્ષી બીજી તૈયારીઓ કરવા માટે આજે શિવરાત્રીની રજાના દિવસે પણ ડીઈઓ કચેરીને કાર્યરત રાખવામાં આવી હતી.


Google NewsGoogle News