Get The App

ઉમરેઠમાં અસામાજિક તત્વોની કરતૂત, શિવ મંદિર પર પથ્થરો ફેંક્યા, ધજા તોડી નાંખી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ઉમરેઠમાં અસામાજિક તત્વોની કરતૂત, શિવ મંદિર પર પથ્થરો ફેંક્યા, ધજા તોડી નાંખી 1 - image


નવરાત્રિ પહેલા શાંતિ ડહોળવાનો હિન પ્રયાસ

સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઓટલા પરથી પથ્થરો મળ્યા ઃ ભક્તોમાં આક્રોશ ઃ સવારે પૂજારીને જાણ થતા પોલીસને તરત જાણ કરી

આણંદ: આણંદ જિલ્લાના ઉમરેઠ નગરના મલાવ તળાવ નજીક આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરના પરિસરમાં કોઈ અજાણ્યા શખ્શોએ ઈંટોના ટુકડા નાખી દરવાજા ઉપર લગાવેલ ધજા તોડી નાખતા ભારે ચકચાર મચી છે. કોઈ અસામાજિક તત્વોએ ઉમરેઠમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા વચ્ચે ઉમરેઠ પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ઉમરેઠના બોરડી ચકલા ખાતે રહેતા રાજનભાઈ કાર્તિકભાઈ શુક્લ નગરના ઓડ બજાર વિસ્તારમાં આવેલ સિધ્ધનાથ મહાદેવમાં પૂજારી તરીકે ફરજ બજાવે છે. આજે સવારના સુમારે તેઓ સિધ્ધનાથ મહાદેવ મંદિરે સેવા પૂજા કરવા માટે ગયા હતા. જ્યાં મંદિરના ઓટલા ઉપર તેમજ મહાદેવ મંદિરની બહાર નદીની આજુબાજુમાં ઈંટોના ટુકડા પડયા હોવાનું નજરે પડયું હતું. 

કોઈ અજાણ્યા શખ્શોએ બદઈરાદાથી આવુ કૃત્ય કર્યું હોવાનું જણાતા રાજનભાઈ શુક્લએ ઉમરેઠ પોલીસ મથકમાં અરજી કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અજાણ્યા શખ્શોએ મંદિર નજીક લગાવેલ ધજા કાઢી નજીકમાં ફેંકી દીધી હતી. ઉમરેઠ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ હિન્દુ સમાજની લાગણી દુભાવનાર અસામાજિક તત્વો વિરૂધ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા લેખિત રજૂઆતમાં જણાવાયું છે. નવરાત્રિ પહેલા ઉમરેઠમાં શાંતિ ડહોળવાનો આ પ્રયાસ કરાયો છે. અસામાજિક તત્વો સામે સખત પગલા ભરવામાં આવે અને આવુ હિનકૃત્ય કરનારને ઝડપી પાડવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે. 


Google NewsGoogle News