વડોદરા શિક્ષણ સમિતિની ત્રણ શાળામાં પ્રશ્નપત્ર ઓછા મળતા વહીવટની પોલ ખુલી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળામાં ધોરણ ત્રણ થી પાંચ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ થઈ છે ,ત્યારે આજે પ્રશ્નપત્ર ઓછા મળતા ત્રણ સ્કુલમાં શિક્ષણ સમિતિના વહીવટ નો છબરડો જોવા મળ્યો હતો .આ બનાવ સંદર્ભે શિક્ષણ સમિતિના અધ્યક્ષએ પેપર કયા કારણસર અને કેટલી શાળામાં ઓછા મળ્યા તે અંગે તપાસનો આદેશ આપી દીધો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ દંતેશ્વર, પ્રતાપ નગર અને ગાજરાવાડી ની શાળામાં પેપર વિદ્યાર્થીઓની સંખ્યા ની સરખામણીમાં ઓછા મળ્યા હોવાનું બહાર આવ્યું છે. દંતેશ્વરની ભક્ત કવિ નરસિંહ મહેતા શાળામાં સવારે પરીક્ષા શરૂ થઈ ત્યારે ગુજરાતી વિષયના 10 પેપર ઓછા મળતા તાત્કાલિક બાજુની શાળામાંથી મંગાવી લેવામાં આવ્યા હતા. પરીક્ષાનો સમય સવારે 8 થી 10 નો હતો.
સામાન્ય રીતે પરીક્ષા શરૂ થાય તેના અડધા કલાક પૂર્વે પ્રશ્ન પત્રની ગણતરી કરી લેવામાં આવે છે ,અને જો ઓછા હોય તો તરત જ કોઓર્ડીનેટર અને નિરીક્ષકને જાણ કરીને તાત્કાલિક મંગાવી લેવામાં આવે છે .દંતેશ્વરની શાળામાં સવારે 7:30 વાગ્યે પ્રશ્નપત્ર નો બંચ ખોલીને ગણતરી કરતા 10 ઓછા મળ્યા હતા અને પરીક્ષા શરૂ થાય તે પૂર્વે મંગાવી લેતા બાળકોને વધારાનો સમય આપવાની કોઈ જરૂર પડી ન હતી .આવું બે ત્રણ શાળામાં બનતા પ્રશ્નપત્ર કેમ ઓછા અપાયા અને ગણતરીમાં ભૂલ હતી કે શું બાળકોની સંખ્યા બરાબર ગણી હતી કે કેમ વગેરે બાબતોને આવરી લઈ તપાસ કરી તેનો રિપોર્ટ આપવા શિક્ષણ સમિતિના અધ્યક્ષ એ શાસનાધિકારીને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.