તતારપુરાની જમીનના કૌભાંડમાં માજી કોંગી અગ્રણી સહિત ૪ આરોપીઓ રિમાન્ડ પર
અન્ય આરોપીઓને પકડવાના બાકી અને પુરાવાઓ પણ મેળવવાના છે
વડોદરા,ડભોઇ રોડ પર કેલનપુર નજીક આવેલા તતારપુરા ગામની ખેતીની ૭૨ વીધા જમીનના કૌભાંડમાં પકડાયેલા ચાર આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
અંકલેશ્વરના આંબોલીરોડ પર સપના સોસાયટીમાં રહેતા ફૈઝલહુસેન મખદુમ સૈયદે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે, મારા દાદા લતીઉદ્દીનની ૧,૭૫,૨૩૦ ચો.મી. જમીન તતારપુરામાં આવેલી છે. જેની હાલની બજાર કિંમત ૨૨ કરોડ થાય છે. આ જમીન કનુભાઇ છગનભાઇ પટેલ (રહે.કબીર કોમ્પ્લેક્સ, મકરપુરા રોડ) અને ઘનશ્યામ શનાભાઇ પટેલ (રહે.કેલનપુર) વગેરેએ બોગસ દસ્તાવેજોના આધારે પચાવી લીધી હતી. આ ગુનામાં પકડાયેલા કનુ પટેલ, ઘનશ્યામ બાબરભાઇ પટેલ, પ્રમોદ શનાભાઇ પટેલ તથા નિલેશકુમાર ઘનશ્યામભાઇ પટેલ ( ત્રણેય રહે. કેલનપુર) ના સાત દિવસના રિમાન્ડની માંગણી વરણામા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
પોલીસે રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. ગુનાને લગતા પુરાવા એકત્રિત કરવાના છે. કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.