સયાજી હોસ્પિટલના ઓપીડી રૃમમાં છતનો પોપડો તૂટીને પડતા દોડધામ

રવિવારે વિજય નગરમાં બાલ્કની તૂટી પડતા મહિલાનું મોત થયું હતું : ઘડિયાળી પોળમાં જર્જરિત મકાન ધરાશાયી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલના ઓપીડી રૃમમાં છતનો પોપડો તૂટીને પડતા દોડધામ 1 - image

 વડોદરા,શહેરમાં વરસાદ શરૃ થતા જ જર્જરિત મકાનોમાં પોપડા પડવાનું શરૃ થયું છે. ગઇકાલે જ હરણી વિજય નગર  પાસે વુડાના મકાનમાં બાલ્કનીનો ભાગ તૂટીને  પડતા એક વૃદ્ધાનું મોત થયું હતું. આજે સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં પણ છતના  પોપડા પડયા હતા. જોકે, તે સમયે ત્યાં કોઇ નહીં હોવાથી ઇજા થઇ નહતી. જ્યારે ઘડિયાળી પોળમાં  પણ જૈન દેરાસર પાસે એક જૂનું મકાન ધરાશાયી થઇ ગયું હતું.

જૂના અને જર્જરિત મકાનો વરસાદ પડવાનું શરૃ થતા જ ધરાશાયી થવાનું શરૃ થયું છે. ગઇકાલે હરણી રોડ વિજય નગર પાસે ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા ૬૩ વર્ષના  નયનાબેન નરેશભાઇ જાદવ  સાંજે વરસાદ જોવા માટે મકાનની ગેલેરીમાં ઉભા હતા. તે દરમિયાન બાલ્કનીનો ભાગ તૂટીને તેમના પર પડતા તેઓનું મોત થયું હતું.

આજે સવારે સયાજી હોસ્પિટલના ઓપીડી ૧૬ માં આજે છત પરથી એક મોટો પોપડો તૂટીને નીચે પડતા સ્ટાફ અને દર્દીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો. ઓપીડીમાં  હાજર ડોક્ટર્સ અને દર્દીઓ બહાર દોડી આવ્યા હતા.  છતની હાલત એટલી ખરાબ છે કે, તેમાંથી પાણી ટપક્યા  કરે છે અને ફ્લોર ભીનો થઇ જતો હોય છે. જો વહેલીતકે સમારકામ કરાવવામાં નહીં આવે તો દર્દી કે સ્ટાફને ઇજા થવાની શક્યતા છે. સ્ટાફનું કહેવું છે કે, વારંવાર રજૂઆત કરવા છતાંય સમારકામ કરવામાં આવતું નથી.

અન્ય એક બનાવમાં ઘડિયાળી  પોળ જૈન દેરાસર પાસે આવેલું એક જૂનું અને જર્જરિત મકાન પણ ધરાશાયી થઇ  ગયું હતું. જોકે, સ્થળ પર કોઇ હાજર નહીં હોવાના કારણે ઇજા થઇ નથી.


Google NewsGoogle News