Get The App

ઓનલાઇન ટાસ્ક કરી રોજ રૃ.6 હજાર કમાવાના ચક્કરમાં કારખાનેદારે રૃ.82લાખ ગુમાવ્યા

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ટાસ્ક કરી રોજ રૃ.6 હજાર કમાવાના ચક્કરમાં કારખાનેદારે રૃ.82લાખ ગુમાવ્યા 1 - image

વડોદરાઃ અકોટા રોડ વિસ્તારમાં રહેતા એક કારખાનેદારે ઓનલાઇન ટાસ્કના નામે રૃ.૮૨ લાખ ઉપરાંતની રકમ ગુમાવી દેતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.

ઓનલાઇન ટાસ્ક કરી ઘેર બેઠા રૃપિયા કમાવવા માટે અનેક લોકોને મેસેજો મળી રહ્યા છે.જેમાં ઓનલાઇન ઠગો શરૃઆતમાં વિશ્વાસમાં લેવા માટે થોડીઘણી રકમ જમા કરાવતા હોય છે અને ત્યારબાદ ભોગ બનનારને વીઆઇપી ગુ્રપમાં એડ કરવાના નામે ડિપોઝિટ ભરાવી વધુ ટાસ્ક આપતા હોય છે.ટાસ્કના બદલામાં સ્ક્રીન પર રકમ જમા દેખાતી હોય છે.જે રકમ ઉપાડવા માટે જાતજાતના બહાના કરીને ઠગો રૃપિયા પડાવતા હોય છે.

અકોટામાં તાજ હોટલ નજીક રહેતા અમનભાઇ શાહ નામના કારખાનેદારે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૩૦મી ડિસેમ્બરે મને ઓનલાઇન ટાસ્ક માટે મેસેજ આવ્યો હતો.જેમાં ન્યુ ઇન્ડિયા ફોકસ કરવા માટે લિન્કને ફાઇવ સ્ટાર રેટિંગ આપવાના કામ  બદલ રૃ.૧૫૦ આપવાની વાત કરી હતી અને રોજના રૃ.૨ થી ૬ હજાર કમાવાની લોભામણી ઓફર હતી.

કારખાનેદારે કહ્યું છે કે,શરૃઆતમાં મને રૃ.૩૨૦૦ જેટલી રકમ મળી હતી.ત્યારબાદ મને વિશ્વાસ આવી જતાં વીઆઇપી ગુ્રપમાં સમાવી વધુ ટાસ્ક અને વધુ રકમની ઓફર કરવામાં આવી હતી.તેની સામે મારી પાસે રકમ જમા કરાવવામાં આવતી હતી.એક તબક્કે મારી રકમ રૃ.૮૫ લાખ દર્શાવતા હતા.પરંતુ આ રકમ ઉપાડી શકાતી નહતી.ઠગોએ બેન્ક એકાઉન્ટ ફ્રીજ થઇ ગયું છે તેમ કહી ૩૦ પેનલ્ટી ભરવાની વાત કરી હતી.ત્યારબાદ મારા ખાતામાં રૃ.૧.૦૬ કરોડ દેખાતા હતા.જે ઉપાડવા માટે મારે વીઆઇપી  બેન્ક એકાઉન્ટ ખોલાવી રૃ.બે કરોડ ભરવાની વાત હતી.

ઠગોએ રૃ.૫૦ લાખ તેઓ ભરપાઇ કરશે તેમ કહી  રૃ.૧કરોડ બાદ કરતાં બાકીની રકમ ભરવા માટે આગ્રહ રાખતાં મને શંકા ગઇ હતી અને મેં  ગુમાવેલા રૃ.૮૫.૬૭ લાખ માટે સાયબર સેલને જાણ કરી હતી.


Google NewsGoogle News