વહેલી સવારે મોપેડ સ્લીપ થઇ જતા બે મિત્રો બેભાન, એકનું મોત
દશરથ નજીક સ્પીડ બ્રેકરનું ધ્યાન નહીં રહેતા ઉછળીને ફંગોળાયેલા બાઇક સવારનું મોત
વડોદરા,લાલબાગ બ્રિજ પરથી માંજલપુર નાકા તરફ જતા સમયે મોપેડ સ્લીપ થઇ જતા બે મિત્રો ઉછળીને રોડ પર પટકાયા હતા. બેભાન થઇ ગયેલા બંને મિત્રોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જે પૈકી એકનું મોત થયું છે. જ્યારે અન્ય એક બનાવમાં બાઇક ચાલક સ્પીડ બ્રેકર કૂદાવી દેતા રોડ પર પછડાતા ગંભીર ઇજા થતા મોતને ભેટયો હતો.
ડભોઇ રોડ વુડાના મકાનમાં રહેતો જીતેશ જયરામભાઇ વસાવા કારેલીબાગ કલ્યાણી ટી સેન્ટરમાં નોકરી કરે છે. આજે વહેલી સવારે જીતેશ અને તેનો મિત્ર ભાવેશ લક્ષ્મણભાઇ બામણીયા મોપેડ લઇને નીકળ્યા હતા. ભાવેશ મોપેડ ચલાવતો હતો.કીર્તિ સ્થંભ થઇ લાલબાગ બ્રિજ થઇ તેઓ માંજલપુર નાકા તરફ જતા હતા. તે સમયે મોપેડ સ્લીપ થઇ જતા બંને મિત્રો રોડ પર ફંગોળાયા હતા. જીતેશને ડાબી આંખ, ગાલ તથા કપાળના ભાગે ઇજા થતા તે બેભાન થઇ ગયો હતો. જ્યારે ભાવેશને માથા તથા કપાળના ભાગે ઇજા થતા તે પણ બેભાન થઇ ગયો હતો. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તે દરમિયાન ભાવેશ ( રહે.આવાસ યોજનાના મકાનમાં, તુલસીધામ, માંજલપુર) નું મોત નિપજ્યું હતું. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, દશરથ ગામ માધવનગર સોસાયટીમાં રહેતો ૪૮ વર્ષનો વિજયકુમાર સુરેશચંદ્ર શર્મા ગઇકાલે બપોરે બાઇક લઇને દશરથ ગામ તરફ જતો હતો. તે સમયે સ્પીડ બ્રેકર આવતા અને બાઇકની સ્પીડ વધારે હોવાથી તે ઉછળીને રોડ પર પછડાયો હતો. તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. બનાવની જાણ તેના મોટા ભાઇને કરવામાં આવતા તેણે સ્થળ પર દોડી ગયો હતો. નાના ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં તે લઇ ગયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
૧૪ મહિનાની બાળકીને કાર ચાલકે અડફેટે લેતા મોત
વડોદરા,દાહોદ જિલ્લાનો પરિવાર હાલમાં મંજુસર ગામે રહે છે. ગઇકાલે સવારે તેઓ ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગરમાં બજરંગ સોસાયટીમાં રહેતા સંબંધીના ઘરે ઉત્તરાયણ કરવા માટે ગયા હતા. પરિવારની ૧૪ મહિનાની બાળકી સોસાયટીની ગલીમાં રમતી હતી. તે સમયે કાર ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.