Get The App

દાઝી જતાં મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીના પ્રકરણમાં ગોધરામાં પ્રા.શાળાના આચાર્યા અને બે શિક્ષક સહિત ત્રણ સસ્પેન્ડ

કલાસમાં જવલનશીલ પદાર્થ રાખીને બેદરકારી દાખવતા આચાર્યા સામે પોલીસ ફરિયાદ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
દાઝી જતાં મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીના પ્રકરણમાં  ગોધરામાં પ્રા.શાળાના આચાર્યા અને બે શિક્ષક સહિત ત્રણ સસ્પેન્ડ 1 - image

ગોધરા,ગોધરાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીનું દાઝી જવાથી મૃત્યુ થયા બાદ અંતે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે શાળાના આચાર્યા સામે વર્ગ ખંડમાં જ્વલનશીલ પદાર્થ રાખીને બેદરકારી રાખવા બદલ ફરિયાદ થઇ છે. દરમિયાન શાળાના આચાર્યા અને બેશિક્ષક સહિત ત્રણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગોધરાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તા.૧૬ ઓગસ્ટે બપોરે શાળામાં ગંભીર દાઝી ગઇ હતી. જેને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેની સ્થિતિ વધુ વણસતા વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બીજી તરફ પોલીસે સમગ્ર મામલે સેનેટાઇઝરને કારણે લાગેલી આગથી તે દાઝી હોવાની જાણવા જોગ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. વિદ્યાર્થિનીનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ૩૫ દિવસની લાંબી સારવાર બાદ મૃત્યુ નિપજયું હતું. મૃત્યુ બાદ તેના પરિવારજનોએ જિલ્લાના શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. વિદ્યાર્થિનીના સારવારના ખર્ચની જવાબદારી સ્વીકાર્યા બાદ હાથ અધ્ધર કરી દીધા હતા. જેથી વિદ્યાર્થિનીના પરિવારજનો માથે આફત આવી પડી છે.

વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ મૃતદેહને ગોધરા લાવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પ્રાથમિક શાળાના આચાર્ય જયશ્રીબેન વિઠ્ઠલભાઇ પટેલ સામે ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૦૬(૧) મુજબની ફરિયાદ નોંધાવા પામી છે. શાળાના આચાર્ય તેમજ અન્ય શિક્ષકોએ વર્ગખંડમાં સેનેટાઇઝર જેવી જ્વલનશીલ વસ્તુ રાખીને બેદરકારી દાખવી હોવાનો પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

રવિવારે પરિવારજનોએ વિદ્યાર્થિનીના અંતિમ સંસ્કાર કર્યા હતા. હવે આગામી સમયમાં બેદરકારી દાખવનાર શિક્ષણ વિભાગ સામે પોતાની બાળકીના મૃત્યુને લઇને વળતર માટેનો દાવો દાખલ કરી શકે છે તેવી શકયતા છે.


Google NewsGoogle News