ફ્રુટના વેપારીની હત્યાના બનાવમાં પ્રેમ પ્રકરણ ખૂલ્યું,સોપારી આપનાર પકડાયો
વડોદરાઃ કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યાની પાછળ પ્રેમપ્રકરણ હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.જેમાં નાજીમની પત્ની સાથે સબંધ રાખવા માટે જીશાને સોપારી આપી હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેને પણ ઝડપી પાડયો છે.
કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રુટનો ધંધો કરતા મો.નાજીમ પઠાણની ગત તા. ૭ મી એ વહેલી સવારે નજીકમાં જ રહેતા ગુલઝાર ઉર્ફે ટુંડો અકબરઅલી પઠાણે ,ઉ.વ.૨૭ ( રહે.કાસમઆલા કબ્રસ્તાન, શ્રીનાથ પેટ્રોલપંપની સામે, કારેલીબાગ) ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. ેડીસીપી પન્ના મોમાયાએ પોલીસની ટીમોને અમદાવાદ મોકલી આરોપી ગુલઝારને ઝડપી પાડયો હતો.
પોલીસની પૂછપરછમાં નાજીમે રૃ.૩૦ હજાર ઉછીના નહિં મળતાં નાજીમની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પરંતુ પોલસને તેની કબૂલાત પર શંકા જતાં મોબાઇલ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી હતી.જે દરમિયાન આરોપીના મોબાઇલ પર જીશાનના કોલ્સ,મેસેજો અને ટ્રાન્સફર કરેલા રૃ.૫ હજાર જેવી બાબતો પોલીસ માટે નોંધપાત્ર બની હતી.
ડીસીપીની આગેવાની હેઠળ તમામ મુદ્દાની ઉંડાણપૂર્વક તપાસ કરાતાં જીશાને સોપારી આપીને હત્યા કરાવી હોવાની વિગતો બહાર આવી હતી.ડીસીપીએ કહ્યું હતું કે,જીશાન મરનારની પત્ની સાથે સબંધ રાખવા માંગતો હતો.પરંતુ મરનારને જાણ થઇ જતાં તેણે પત્નીને ઠપકો આપ્યો હતો.જેથી નાજીમનો કાંટો કાઢવા માટે જીશાને આરોપી ગુલઝારને રિક્ષા લાવી આપવા અને બધું દેવું ચૂકતે કરી આપવા માટે ઓફર કરી હતી.તેણે બે વખત એટીએમ પર લઇ જઇ કેશ પણ આપી હોવાની વિગતો પોલીસને મળી છે.જેથી પોલીસે રિક્ષા ચલાવતા જીશાન જાવેદહુસેન પઠાણ(કાસમઆલા કબ્રસ્તાન પાસે,ભૂતડીઝાંપા મૂળ કાસગંજ,યુપી)ની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ કરી છે.પોલીસની ટીમો દ્વારા ઉપરોક્ત બાબતોના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
જીશાને રેકી કરી હતી,હત્યાનો પ્લાન બે થી ત્રણ વાર ફેલ ગયો
પોલીસના જણાવ્યા પ્રમાણે,નાજીમનો કાંટો કાઢવા માટે જીશાને જાન્યુઆરી મહિનામાં યોજના તૈયાર કરી હતી.તેણે આર્થિક ભીંસમાં સપડાયેલા ગુલઝારને દેવામાંથી બહાર કાઢી આપવા અને નવી રિક્ષા લાવી આપવાનું કહી તૈયાર કર્યો હતો.જીશાને નાજીમની રેકી કરી હતી.નાજીમ રોજ મળસ્કે ત્રણ વાગે કારવોશ પાસેના પાર્કિંગમાં પગ રિક્ષા લેવા જતો હતો અને ફ્રુટ ખરીદી માંજલપુરમાં ફેરી કરતો હતો.બપોરે બાર વાગે ઘેર આવી સાંજે પાંચ વાગે ટી સ્ટોલ પર ચા પીવા જતો હતો.જેથી ગુલઝારે બે થી ત્રણ વાર ચાકુ સાથે પીછો કર્યો હતો.પરંતુ તક નહિં મળતાં પ્લાન ફેલ ગયો હતો.
નાજીમની પત્નીએ કહ્યું,મારા પતિને છોડી નહિં આવું
પોલીસના જણાવ્યા પ્રમાણે,નાજીમને છોડીને પોતાની પાસે આવવા માટે જીશાન દબાણ કરતો હોવાથી નાજીમની પત્નીએ ઇનકાર કર્યો હતો.તેણે કહ્યું હતું કે,જો તેનો પતિ છૂટાછેડા આપશે તો હું આવીશ,બાકી ભાગીને નહિં આવું.નાજીમ છૂટાછેટા આપે તે માટે તેની પત્નીએ કોઇની પાસે પતિને ફોન કરાવી તમારે ઘેર મોંઢે રૃમાલ બાંધીને કોઇ છોકરો આવે છે તેવી જાણ પણ કરાવી હતી.