પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા મામલે આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા
ગાંધીનગર શહેર નજીક સાદરામાં ત્રણ વર્ષ અગાઉ
નજરે જોનર સાક્ષીએ ૧૬૪નું નિવેદન આપ્યું હતું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક સાદરામાં ત્રણ વર્ષ અગાઉ પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવાન ઉપર હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. જે સંદર્ભે ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલને ગ્રાહી રાખીને આરોપીને કોર્ટે આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો અને અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક સાદરાના
માધવગઢ ગામના જગદીશભાઈ કાંતિજી ઠાકોરો અને શીતલ જગદીશભાઈ ઠાકોરની દીકરી સાથે અક્ષય
ચૌહાણને પ્રેમ સંબંધ હોવાથી જેની અદાવત રાખીને ગત ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ જગદીશ
કાંતિજી ઠાકોર, શીતલ
ઠાકોર, રાકેશ
મંગાજી ઠાકોર અને વિજય કાંતિજી ઠાકોર દ્વારા અક્ષય ચૌહાણ ઉપર હુમલો કરવામાં આવ્યો
હતો. જેમાં યુવાનને માર મારવામાં આવ્યો હતો જ્યારે જગદીશભાઈએ કપડાં ધોવાના લાકડાના
ધોકા વડે હુમલો કરતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને અર્ધ બેભાન હાલતમાં
સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત
થયું હતું. જેથી આ સંદર્ભે પ્રહલાદજી અંબાલાલ ચૌહાણે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવી હતી અને આ કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી
એચ.આઈ. ભટ્ટની કોર્ટમાં રજૂ થયો હતો જ્યાં આ કેસના સાક્ષી યુવાનનું ૧૬૪નું નિવેદન
પણ લેવામાં આવ્યું હતું ત્યારે સરકારી વકીલ જીગ્નેશ જોશી દ્વારા સાક્ષીઓને
તપાસવામાં આવ્યા હતા અને તેમની જુબાની પણ લેવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે, મૃતક યુવાનના
મિત્ર તથા અન્ય સાક્ષીઓ મહદઅંશે અશિક્ષિત અને અર્ધશિક્ષિત હોવા છતાં લાંબા સમયે પણ
તમામ સાક્ષીઓએ ઘટનાને સંપૂર્ણ સમર્થન કર્યું છે. આ સંજોગોમાં આરોપી દ્વારા કરવામાં
આવેલી હત્યા સાબિત થાય છે. જેથી આરોપીને મહત્તમ સજા થવી જોઈએ. જેના પગલે કોર્ટ
દ્વારા આરોપી જગદીશ કાંતિજી ઠાકોરને હત્યાના ગુનામાં આજીવન કેદની એટલે કે છેલ્લા
શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ છોડી
મૂકવામાં આવ્યા હતા.