પાટનગરમાં આકરી બની રહેલી ગરમી 40.5 ડિગ્રી ગરમીમાં નગરજનો શેકાયા

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
પાટનગરમાં આકરી બની રહેલી ગરમી 40.5 ડિગ્રી ગરમીમાં નગરજનો શેકાયા 1 - image


વાતાવરણમાં પલટો આવતા ગરમીનો પારો ઊંચકાયો

ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં સવારથી જ આકરી ગરમીનો અનુભવ : તાપમાનના પારામાં વધારો થવાની આગાહી

ગાંધીનગર :  વાતાવરણમાં પલટો આવતા ગાંધીનગર શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનું આક્રમણ વધી રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થવાથી નગરજનો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.મંગળવારે એક  ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૪૦.૫ ડિગ્રી આવીને અટક્યું હતું. તો બીજી તરફ આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.વધી રહેલી ગરમીની અસર જનજીવન ઉપર પણ જોવા મળી રહી છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીનું આક્રમણ તીવ્ર બનતું હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થઈ રહ્યો છે એપ્રિલ માસના પ્રારંભના દિવસોમાં  ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થતો હોય તે પ્રકારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ હતી.બીજી તરફ બદલાયેલા હવામાનને કારણે થોડા દિવસ અગાઉ મહત્તમ અને લઘુતમ પારો ગગડી જતા નગરજનોને બેવડી મોસમ અનુભવવા મળી રહી હતી. ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી અચાનક જ દિવસ અને રાત્રીના તાપમાનમાં વધઘટ થવાથી તેની અસર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી. સોમવારે લઘુતમ તાપમાન ૨૩.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું.જ્યારે મહત્તમ તાપમાન ૩૯.૩ ડિગ્રી આવીને અટક્યું હતું.જેમાં મંગળવારે વધારો ઘટાડો  થવાથી નગરજનો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.સવારમાં ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાતા લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી આવીને પહોંચ્યું છે.તો બીજી તરફ ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થવાથી સાંજે ૪૦.૫ ડિગ્રી પહોંચી જતા પાટનગરવાસીઓ ગરમીમાં આકુળ વ્યાકુળ થઈ ગયા છે. ત્યારે ભેજના પ્રમાણમાં ઘટાડો ગરમીનો અહેસાસ નગરજનોને કરવો પડયો હતો. આગામી દિવસોમાં તાપમાનના પારામાં વધારો થશે અને ગરમી આક્રમક બનશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે પશુ-પક્ષીઓની હાલત કફોડી બની રહી છે. તાપમાનના પારામાં સતત થઈ રહેલા વધારાના પગલે વીજમાગમાં પણ વધારો નોંધાયો છે.તો નગરજનો પણ ગરમીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં જ રહેવાનું મુનાસિબ માની રહ્યા છે.વધી રહેલી ગરમીની અસર શહેરના જનજીવન ઉપર પણ જોવા મળી હતી.


Google NewsGoogle News