ભાયલી ગેંગ રેપ કેસમાં પોલીસે 11 દિવસમાં 6000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, 5ની ધરપકડ, 100થી વધુ નિવેદનો નોંધ્યા
Bhayali Rape Case : બીજા નોરતાની રાત્રે ભાયલી વિસ્તારની સીમમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ માત્ર 11 દિવસના ગાળામાં જ પાંચ આરોપીઓ સામે 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં મુકી છે. આ કેસમાં પોલીસે કુલ 5 વિધર્મી આરોપીઓની ધરપકડ કરી છે.
વડોદરા માટે કલંકરૂપ આ ઘટનામાં પ્રારંભમાં તાલુકા પોલીસે તપાસ કરી હતી. જે બાદ એસ.પી.રોહન આનંદની અધ્યક્ષતામાં સીટની રચના કરાઇ હતી. સીટમાં તપાસ અધિકારી તરીકે ડીવાયએસપી બળવંતસિંહ ચાવડાએ ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરીને આરોપીઓને ઘટનાના ચાર દિવસમાં જ શોધી કાઢીને ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. આ સમયે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી જેની સામે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસે ફરીથી રિમાન્ડની અરજી કરતા કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
6 દિવસની પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચ આરોપીઓ પાસેથી સીટે તમામ માહિતીઓ મેળવીને આરોપનામુ ઘડી કાઢ્યુ છે. કુલ 6000 પાનાના આરોપનામા (ચાર્જશીટ)માં 100થી વધુ સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મેડિકલ અને ફોરેન્સીક પુરાવાઓ સાથે ટેકનિકલ પુરાવાઓને પણ સંલગ્ન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત તા.4 ઓક્ટોબરે બીજા નોરતાની રાત્રે ભાયલીના સીમ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરાને ઝાડીમાં લઇ જઇને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું. બે બાઇક ઉપર આવેલા પાંચ આરોપીઓ પૈકી બે આરોપી જતા રહ્યા હતા જ્યારે 3 આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને ગેંગરેપ, પોક્સો, લૂંટ સહિતની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે.
ગેંગરેપ કરનાર આરોપીઓ
મુન્ના અબ્બાસ બંજારા (ઉ.27)
મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા (ઉ.36)
શાહરૂખ કિસ્મતઅલી બંજારા (ઉ.26)
ગેંગરેપ પહેલા બાઇક પર જતા રહેલા આરોપી
સૈફઅલી મહેંદી હસન બંજારા (ઉ.21)
અજમલ સતાર બંજારા (ઉ.21)