તરસાલીમાં સોની પરિવારના મોભીએ પરિવારજનોને ઝેર પીવડાવી દેતા બે ના મોત
મૃતક મહિલાના ભાઇની ફરિયાદના આધારે બનેવી સામે મર્ડરનો ગુનો દાખલ
વડોદરા,તરસાલી નંદનવન સોસાયટીમાં રહેતા પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસમાં મકરપુરા પોલીસે આખી રાત દોડધામ કરીને બનાવનો કોયડો ઉકેલ્યો હતો. પોલીસે મૃતક બિન્દુબેનના ભાઇ મનોજની ફરિયાદના આધારે પરિવારના મોભી ચેતન સોની સામે મર્ડરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામૂહિક આપઘાતના પ્રયાસની પાછળ આર્થિક સંકડામણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.
મનોજભાઇ સોનીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મને એવી હકીકત જાણવા મળી હતી કે, મારા બનેવી ચેતન સોની ગત તા.૧ લી એ રાતે શેરડીનો રસ ઘરે લાવ્યા હતા.તેઓએ શેરડીના રસમાં ઝેર જેવું કેમિકલ ભેળવીને મારી બહેન બિંદુ,મારા ભાણેજ આકાશ તથા મારી બહેનના સસરા મનહરભાઇને પીવડાવી દેતા તેઓને ઝાડા ઉલ્ટી થઇ ગયા હતા. ત્રણેયને પાડોશીઓની મદદથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ,તેઓએ શેરડીના રસમાં ઝેર ભેળવ્યાની વિગતો છૂપાવી હતી. સારવાર દરમિયાન મારી બહેન બિંદુ તથા બિંદુના સસરા મનહરભાઇનું મોત થયું હતું.
બંનેની અંતિમ વિધિ બનેવીએ કરી દીધી હતી. મારા ભાણેજ આકાશને કોઇ તબિયતની રિકવરી આવતી નહીં હોવાથી તેના મિત્રોએ તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવા માટે સલાહ આપી હતી. તે સમયે મારા બનેવીએ ત્યાં હાજર ડોક્ટરને પણ કહ્યું કે, મારા દીકરાને જલ્દી સાજો કરી દો. તેઓ ડોક્ટર સાથે વાતચતી કરવા લાગ્યા હતા.
મારા બનેવી અગાઉ સોનીનું નાનું મોટું કામ કરતા હતા. પરંતુ, તેઓનું કામકાજ બરાબર ચાલતું નહતું. જેથી, હું વડોદરા આવું અથવા મારા બહને બનેવી અમારી ત્યાં આવે તો હું તેઓને બે - ચાર હજાર રૃપિયાની મદદ કરતો હતો. મારા બનેવીએ કરેલા આ કૃત્યની પાછળ આર્થિક સંકડામણ હોવાનું મારૃં માનવું છે.મનોજભાઇએ જણાવ્યું હતું કે, મારા બનેવી ઘરે મશીન રાખીને કોપર તથા એલ્યુમિનિયમના વાયસર બનાવતા હતા. તેઓ છૂટક કામ કરતા હતા.
સયાજીમાં એન્ટિ સાઇનાઇડ કિટ જ નહતી
વડોદરા,ચેતન સોની અને તેનો પુત્ર આકાશ હાલમાં સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. આવા કિસ્સામાં ડોક્ટર દ્વારા દર્દીનો જીવ બચાવવા માટે એન્ટિ સાઇનાઇડ કિટનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ, સયાજી હોસ્પિટલ પાસે એન્ટિ સાઇનાઇડ કિટ જ નહતી. જેથી, પોલીસે નંદેસરીની એક કંપનીમાંથી બે કિટ મંગાવીને ડોક્ટરને આપી છે.