તરસાલીમાં લક્ઝરી બસ રિવર્સ લેતા અકસ્માત થતા મારામારી
લક્ઝરી બસના ડ્રાઇવર અને તેના સાગરીતોએ પાઇપ અને લાકડીથી હુમલો કર્યો
વડોદરા,તરસાલી રાજદીપ કોમ્પલેક્સ પાસે લક્ઝરી બસ રિવર્સ લેતા અકસ્માત થયો હતો.જેના પગલે મારામારી થતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તરસાલી દામોદર નગરમાં રહેતો અરૃણકુમાર દયારામભાઇ જાદવ મોબાઇલ રિપેરીંગનું કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સવા બાર વાગ્યે હું મારી દુકાન બંધ કરી હતી. મારા મિત્ર ચંદનસીંગે બાઇક પર મને રાજદીપ કોમ્પલેક્સ પાસે ઉતારતા હું ત્યાં ઉભો હતો. તે દરમિયાન એક લક્ઝરી બસનો ડ્રાઇવર તેની બસ રાજદીપ કોમ્પલેક્સની આગળ પાર્ક કરતો હતો. તેણે બસ રિવર્સ લેતા મારા મિત્ર સન્ની પરમારની ગાડીને અથાડતા નુકસાન થયું હતું. જેથી, મેં બસના ડ્રાઇવરને કહ્યું કે, પાછળ જો , ગાડી અથાડી છે. મારી વાત સાંભળતા લક્ઝરી બસમાંથી ત્રણ વ્યક્તિઓ ઉતરી મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મેં મારા મિત્ર સન્ની પરમારને બોલાવ્યો હતો. તેણે કહ્યું કે, જવા દો. મારે કંઇ કરવું નથી. ત્યારબાદ હું ત્યાં ઉભો રહીને ફોન પર વાત કરતો હતો. તે દરમિયાન તરસાલી નૂર પાર્કમાં રહેતો વિશાલ ઠાકોર આવ્યો હતો. તેણે પાઇપનો ફટકો મારા માથામાં મારી દીધો હતો. તેના મિત્રે લાકડીનો ફટકો માથામાં મારી દીધો હતો. મેં બૂમાબૂમ કરતા સન્ની પરમાર ત્યાં આવી જતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.